મહેસાણા: શહેરીજનોએ રૂપિયી 10 કરોડનું સોનું ખરીદ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - શહેરમાં સોનું ખરીદતા ગ્રાહકો)
- શહેરીજનોએ રૂપિયી 10 કરોડનું સોનું ખરીદ્યું
- ઘરાકી ધાર્યા કરતાં સારી રહેતાં વેપારી ખુશ, લોકોએ સિક્કા અને મૂર્તિઓ પણ ખરીદી
- શુકનની ખરીદી | જ્વેલરી શો-રૂમો મોડી સાંજ સુધી ધમધમતા રહ્યા


મહેસાણા: ધનતેરસના શુભ દિવસે મંગળવારે શહેરના સોના-ચાંદીના શો-રૂમ અને નાની-મોટી દુકાનોમાંથી લોકોએ સોના-ચાંદીની શુકનવંતી ખરીદી કરતાં રૂ.10 કરોડથી વધુનો વેપાર થયો હોવાનો અંદાજ વેપારીઓએ મૂક્યો છે.હિ‌ન્દુ ધર્મના મહત્વના અને સૌથી મોટા તહેવાર દિવાળી આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે મંગળવારે વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા. તેમાંય ખાસ કરીને ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુભ ગણાય છે તો આ વર્ષે સોનાનો ભાવ પણ ગત વર્ષના રૂ.30 હજારના ભાવ કરતાં ઓછો રૂ.27 હજાર જેટલો હોવાથી સવારથી જ શહેરના સોના-ચાંદીના શો-રૂમ સહિત નાની-મોટી 200થી જ્વેલર્સની દુકાનોમાં ખરીદારો ઉમટી પડ્યા હતા.

લોકોએ સોના-ચાંદીના નાના-મોટા દાગીના ઉપરાંત, સિક્કા તેમજ દેવ-દેવીઓની મૂર્તિઓની ખરીદી પણ સારા પ્રમાણમાં કરી હતી. લગ્નની સિઝન પણ નજીકમાં હોઈ લોકોએ લગ્ન પ્રસંગના દાગીના પણ આ શુભ દિવસે ખરીદવાનું પસંદ કર્યું હતું. મોડી સાંજ સુધી જ્વેલરી બજારમાં ખરીદીની ચમક રહેતાં શહેરમાં રૂ.10 કરોડથી વધુનો સોના-ચાંદીનો વેપાર થયો હોવાનો અંદાજ વેપારી સૂત્રો મૂકી રહ્યા છે. મહેસાણા ચોકસી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ખોડાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં ભાવ ઓછો હોઈ આજે જ્વેલરી બજારમાં ગત વર્ષ કરતાં બમણી ઘરાકી હતી અને ખુબ સારો વેપાર પણ થયો છે.

ધનતેરસે ધનવર્ષા | સોનાના ભાવ ઘટતાં આ વર્ષે બમણી ઘરાકી દેખાઇ

પુત્રનાં લગ્ન હોઈ દાગીના ખરીદ્યા | નિમિષાબેન ચૌહાણે જણાવ્યું કે, નવેમ્બર માસમાં પુત્રના લગ્ન હોઈ પુત્રવધૂ તેમજ અન્ય પરિવારજનો માટે અગાઉથી દાગીના પસંદ કરી ઓર્ડર આપ્યો હતો. જે સોનાનો સેટ, પાટલી વગેરે દાગીના આજે અમે ખરીદ્યા છે.

દર વર્ષે ધનતેરસે સોનું ખરીદીએ છીએ | લાખવડ ગામના લેબર કોન્ટ્રાક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું કે, ધનતેરસના શુભ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે એટલે અમે તો દર વર્ષે આ દિવસે સોનાની ખરીદી અવશ્ય કરીએ છીએ. આજે પુત્ર માટે સોનાનું લકી ખરીદ્યું છે.મુહૂર્ત સાચવવાની સાથે બચત પણ | મહેસાણાના વિનોદભાઈ એલ.પટેલ (વેપારી)એ જણાવ્યું હતું કે, આજે અમે ચાંદીની થાળી અને મૂર્તિ ખરીદી છે. દર વર્ષે ધનતેરસે સોનાનો સિક્કો કે અન્ય કોઈ નાની-મોટી ચીજવસ્તુની ખરીદી કરીએ છીએ. મુહૂર્ત સાચવ્યાનો સંતોષ પણ મળે છે અને બચત પણ થાય છે.