લીંચ ગામની સીમમાં જરખે વૃદ્ધાના હાથની આંગળી કરડી ખાતાં ફફડાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં આંગળીને થયેલા ઘા જોઇ શકાય છે)
- લીંચ ગામની સીમમાં જરખે વૃદ્ધાના હાથની આંગળી કરડી ખાતાં ફફડાટ
- ગામલોકો અને વન વિભાગે જાનવરની શોધખોળ હાથધરી
મહેસાણા : લીંચ ગામની સીમમાં મવાડીપરૂમાં રવિવારે મધરાતે જરખ જેવા જાનવરે એક વૃધ્ધાના જમણા હાથની આંગળીઓ કરડી ખાતાં ભયનો માહોલ સર્જાયો હતો ગ્રામજનો અને જંગલ વિભાગે પગના નિશાન આધારે હુમલાખોર જાનવરને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. સોમવારે ભયના માર્યા ખેડૂતોએ ખેતરે જવાનું ટાળ્યું હતું.

મહેસાણા તાલુકાના લીંચ ગામની સીમમાં આવેલા મવાડીપરૂમાં રવિવારે રાત્રે 12 કલાકે છાપરાની બહાર 80 વર્ષના મકુબહેન વલાજી ઠાકોર સૂઇ રહ્યા હતા. તે સમયે કોઇ જંગલી જાનવરે હુમલો કરી જમણા હાથની આંગળીઓ કરડી ખાઇ મોઢા પર ગંભીર ઇજાઓ કરતા તેમને ચીસાચીસ કરી મુકી હતી. વૃધ્ધાની ચીસો સાંભળી જાગી ગયેલા પરિવારજનો સહિતે કરેલી પૂછપરછમાં વૃધ્ધાએ દીપડાએ હુમલો કર્યો હોવાનું કહેતાં જ તમામ ગભરાઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડ્યા બાદ ગ્રામજનોએ હુમલો કરનાર જાનવરની રાત્રે શરૂ કરેલી શોધખોળ દિવસભર ચાલી હતી. જંગલી જાનવર આવ્યું હોવાની જાણ થતાં જંગલ વિભાગના અધિકારીએ ઘટના સ્થળે દોડી આવી પગનાં નિશાન જરખના હોવાનું પ્રાથમિક ધોરણે જણાવ્યું હતું.
જરખે જ હુમલો કર્યો: રેન્જ ફોરેસ્ટ ઓફિસર
પંજાના નિશાન જોતા હુમલાખોર જાનવર જરખ હોવાનું કહેતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.એસ.રાજપુતે જણાવ્યું હતું કે, રાત્રે બનાવની જાણ થતા જ ગામમાં દોડીજઇ જાનવરની શોધખોળ કરી હતી. હુમલાબાદ જરખ ભાગી ગયેલ હોઇ હવે પછી તે દેખાય ત્યારે જ તેને ઝડપી શકાય.
જાનવર દેખો તો જાણ કરજો
ગામમાં જંગલી જાનવર હુમલો કરે તેવી દહેશત પ્રસરી છે ત્યારે જંગલ વિભાગે કોઇ જ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરતા ચંદુજી ઠાકોરે જણાવ્યું કે, હુમલાના ડરથી રાત્રે ઉંઘ પણ આવતી નથી, ત્યારે જંગલ વિભાગે શોધખોળ કરવાના બદલે જાનવર દેખાય તો જાણ કરજો તેમ કહીને ચાલતી પકડી હતી.