બનાસડેરીના દૂધ વાહનચાલકોની હડતાળથી દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાક્ટ ઉપર રખાયેલા ૩૦૦ વાહનોનાં પૈડાં એક કલાક થંભી ગયાં
અધિકારીઓએ ચાલકો સાથે બેઠક યોજી સમાધાન કરતાં મામલો થાળે પડ્યો
પાલનપુર ખાતે બનાસડેરી કાર્યરત છે. જ્યાં આજુબાજુના વિસ્તારોમાંથી દૂધનો પુરવઠો લાવવા માટે ખાનગી વાહનોનો કોન્ટ્રાકટ અપાયો છે. દરમિયાન રૂટ તેમજ ટાઇમ લીમીટના મુદ્દે વાહનચાલકો સોમવારે એક કલાક સુધી હડતાળ ઉપર ઉતરી જતાં ડેરીના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અંતે ચાલકો સાથે બેઠક યોજી સમાધાન થતાં મામલો થાળે પડયો હતો. આ ઘટનાના પગલે ડેરીના સંકુલમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
પાલનપુર સ્થિત બનાસડેરીમાં પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, ડીસા, થરાદ, વાવ, દિયોદર, ભાભર અને કાંકરેજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં દૂધ ઉત્પાદક મંડળીઓની સ્થાપના કરવામાં આવેલી છે. જ્યાં પશુપાલકો પોતાના પશુઓનું દૂધ ભરાવી આર્થિ‌ક ઉપાર્જન મેળવે છે.
આ દૂધનો પુરવઠો બનાસડેરી સુધી પહોંચાડવા માટે બનાસડેરી દ્વારા ખાનગી વાહનોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેઓ જુદાજુદા રૂટ પ્રમાણે દૂધ એકત્રીત કરી ડેરીમાં પહોંચાડે છે. જોકે આ વાહનોના ચાલકો પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે સોમવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેઓ વાહનોના પૈંડા થંભાવી ડેરીના પ્રવેશદ્વાર આગળ બેસી ગયા હતા અને માર્ગ ઉપર આવી હોબાળો મચાવ્યો હતો.
આ અંગે જાણ થતાં બનાસડેરીના અધિકારીઓની દોડધામ મચી ગઇ હતી અને ચાલકો પાસે દોડી આવ્યા હતા. જ્યાં અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી હતી. જેમાં અંતે સમાધાન થતાં મામલો થાળે પડયો હતો.
દૂધ ઉત્પાદનમાં કોઇ નુકસાન થયું નથી
'વર્તમાન સમયે ૩૦૦ ઉપરાંત વાહનો દ્વારા દૈનિક ૩પ લાખ લીટર દૂધ મંડળીઓમાંથી એકત્ર કરી બનાસ ડેરીમાં લવાય છે. દરમિયાન સોમવારે ટેન્કર ચાલકોએ વિવિધ માંગણીઓના મુદ્દે એક કલાક સુધી કામથી અળગા રહ્યા હતા. જેમની ન્યાયિક માંગણીઓ સંતોષવાની ખાત્રી અપાતાં હડતાળ પરત ખેંચાઇ છે. દૂધ ઉત્પાદનમાં કોઇ નુકસાન થયું નથી.’ : માનજીભાઇ જી. ધૂળીયા (એક્ઝીક્યુટિવ, બનાસડેરી, પાલનપુર)
અમારી સાથે અન્યાય કરવામાં આવે છે
'બનાસડેરી સાથે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોડાયેલા અંદાજિત ૩૦૦ જેટલા વાહનચાલકો સાથે બનાસડેરી દ્વારા વ્હાલા-દવાલાની નીતિ અખત્યાર કરી અન્યાય કરવામાં આવે છે.’ : કનૈયાપુરી ગૌસ્વામી (ટેન્કર ચાલક, પાલનપુર)
વાહન ચાલકોની કઇ માગણીઓ હતી
૧. ડેરીના કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન.
૨. દૂધનું સેમ્પલ સવારે આપવું.
૩. બનાસડેરીના કર્મચારીઓ પાસે કેન્ટીંગમાં રૂ. ૨૦ લેવાય છે. જ્યારે ચાલકો પાસેથી રૂ. ૪૦ લેવાય છે.