• Gujarati News
  • ATM PIN Number Out Of The Bank Account, Picked Up RS 1.31 Million At Khedbrahma

ખેડબ્રહ્મા : એટીએમનો પિન નંબર જાણી બેન્ક ખાતામાંથી ‌રૂ. 1.31 લાખ ઉપાડી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં એક ખાતેદારના ખાતામાંથી અજાણ્યા યુવકે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમનો પિન નંબર જાણી રૂ.1,31,839 ઉપાડી લીધા હતા. જે અંગે અજાણ્યા યુવક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
- છેતરપિંડી | ખેરોજ બીએસએનએલના કર્મચારીનું કાર્ડ બદલી નાખ્યું
- ગઠિયા વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પ્રાપ્ત વિગત અનુસાર, ખેરોજ બીએસએનએલ કચેરીમાં મિકેનિક તરીકે ફરજ બજાવતા પરષોત્તમભાઇ મુળાભાઇ પરમાર ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા શાખાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બે ત્રણ વખત એટીએમ કાર્ડનો ઉપયોગ કરવા છતાં પૈસા નહીં નીકળતાં બાજુમાં આવી ઉભેલા આશરે ત્રીસ વર્ષના યુવકે મદદ કરવાનું કહ્યું હતું અને પરષોત્તમભાઇનો વિશ્વાસ કેળવી તેમનો ખાનગી પિન નંબર જાણી લીધો હતો અને નાણાં કાઢવામાં મદદ કરી હતી. પૈસા નીકળતાં પરષોત્તમભાઇએ એટીએમ કાઢી બાજુમાં મુકી પૈસા ગણવા લાગ્યા હતા. તે દરમિયાન આ યુવકે તેમનું અસલ એટીએમ કાર્ડ લઇ લીધું હતું અને તેની જગ્યાએ નકલી કાર્ડ મુકી દીધુ હતું.
ત્યાર બાદ તે જ દિવસે પિન નંબર અને કાર્ડનો ઉપયોગ કરી વડાલી માર્કેટયાર્ડ અને રખિયાલના એટીએમમાંથી તબક્કાવાર રૂ.1,31,839 ઉપાડી લીધા હતા. બીજા દિવસે શુક્રવારે પરષોત્તમભાઇ બેંકમાં પૈસા ઉપાડવા જતાં ખાતામાં માત્ર રૂ.27નું બેલેન્સ હોવાનું જાણવા મળતાં ચોંકી ગયા હતા. અજાણ્યા યુવકે તેમનું એટીએમ કાર્ડ બદલાવી પિન નંબર જાણી પૈસા ઉપાડી લીધા હોવાનું જણાતાં તેમણે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.