અમદાવાદ સિવિલમાં સ્વાઇન ફ્લૂમાં નંદાલીની મહિ‌લાનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિ‌લાના સંપર્કમાં આવેલા તમામના લોહીના નમૂના સહિ‌તનાં પગલાં લેવાયાં

સ્વાઇન ફ્લૂમા સપડાયેલી ખેરાલુ તાલુકાના નંદાલી ગામની મહિ‌લાનું બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પગલે આરોગ્ય વિભાગે મૃતક મહિ‌લાના સંપર્કમાં આવનાર તમામ લોકોના લોહીના નમૂના લેવા સહિ‌તની કામગીરી હાથ ધરી છે.

સ્વાઇન ફલૂએ મહેસાણા જિલ્લામાં પગપેસારો કરતાં ફફડાટ પ્રસર્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ તેને અટકાવવા આગોતરું આયોજન સહિ‌તના પગલા લેવાતા હોવાના બણગાં ફૂંકી રહ્યો છે ત્યારે આ રોગના દર્દીઓ ઘટવાના બદલે વધી રહ્યા છે. એક સપ્તાહ અગાઉ ખેરાલુ તાલુકાના નંદાલી ગામની મહિ‌લાને તાવ સહિ‌તની ઉઠેલી ફરિયાદ વચ્ચે વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં લોહી તેમજ કફના પરીક્ષણ દરમિયાન તેણીને સ્વાઇન ફલૂ હોવાનું નિદાન થયું હતું. આથી તેણીને ગત શનિવારે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બુધવારે સવારે તેણીનું મોત થયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વિાઇન ફલૂ પોઝિટિવ આ મહિ‌લા દર્દીને વિસનગરથી અમદાવાદ ખસેડાઇ હતી. જ્યાં તેમનું બુધવારે વહેલી સવારે મોત થયું છે.

જિલ્લામાં સ્વાઇન ફલૂમાં મૃતાંક ચારે પહોંચ્યો
મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફલૂના કેસો વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગના આંકડા મુજબ સ્વાઇન ફલૂમાં ૪ બે મહિ‌લા સહિ‌ત ચાર વ્યકિતઓનાં મોત થયાં છે. જ્યારે ૧૦ પોઝિટિવ અને ૨૩ કેસ શંકાસ્પદ નોંધાયાં છે.