નર્સના વેશમાં મહિલા સિવિલમાં ઘૂસી, નવજાતને ઉઠાવી જતા ટોળો ઊમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી: કડી કરણનગર રોડ સ્થિત ગણેશા વેલીમાં રહેતી સગર્ભા મહિલાની કડી સરકારી હોસ્પિટલમાં બુધવારે બપોરે પ્રસૃતિ થતા તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. જે બાળકીનું ગુરૂવારે વહેલી પરોઢીયે નર્સના વેશમાં આવેલ અજાણી મહિલા અપહરણ કરી લઈ જતા આરોગ્ય વિભાગમા દોડધામ મચી ગઇ હતી. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જતા લોકોના ટોળા હોસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. કડી પોલીસે વર્ષાબેનના નિવેદન આધારે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ વહેલી પરોઢીયે ચાર વાગે બનેલ અપહરણના બનાવની ગંભીરતાને ધ્યાને ન લેતી કડી પોલીસના કોઈ સક્ષમ અધિકારીએ કલાકો સુધી બનાવની જગ્યાએ વીઝીટે ન આવતા પોલીસની કામગીરીને લઈ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા.

પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

કડી તાલુકાના કરણનગર ગામના મૂળ વતની અને ગામની સીમમાં આવેલ શીવનારાયણ સંન્યાસ આશ્રમમાં ઉછરીને મોટી થયેલ વર્ષાબેન રાજપૂતે (20 વર્ષ) પરપ્રાંતિય યુવક રાહુલ સાથે પ્રેમ સંબંધ પછી લગ્ન કર્યા બાદ છેલ્લા બે વર્ષથી કરણનગર રોડ સ્થિત ગણેશા વેલીમા ભાડાના મકાનમાં રહેતા હતા. બે વર્ષના લગ્ન સમયગાળા બાદ તે ર્ગભવતી બની હતી. બુધવારે સવારે તેને પ્રસૃતિનો દુખાવો ઉપડતા તેને તાત્કાલિક કડીની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામા આવી હતી. નોર્મલ પ્રસુતિ દરમિયાન તેણે બપોરના અગિયાર કલાકે તંદુરસ્ત પુત્રીને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ સરકારી હોસ્પિટલના મહિલા વોર્ડમાં તેને દર્દી તરીકે રાખવામા આવી હતી. ગુરૂવારે વહેલી પરોઢીયે ચાર કલાકે હોસ્પિટલમાં ડૉ., નર્સ, પટાવાળા, ચોકીદાર સહિતનો સ્ટાફ ફરજ પર હાજર હતો કે નહી તે દરમિયાન અજાણી મહિલાએ માસ્ક, હાથના ગ્લવોઝ સહિત નર્સનો વેશ ધારણ કરીને મહિલાના વોર્ડમાં પ્રવેશ કર્યો હતો. વોર્ડમાં દાખલ ચાર મહિલાઓની પૂછપરછ કર્યા બાદ વર્ષાબેનને શૌચક્રિયા માટે જવાનુ કહી તેમની બાળકીનુ ચેકઅપ કરવાનુ કહી આપહરણ કરી લઈ ને ભાગી ગયા હતા.

દરમિયાન શૌચક્રિયા કરી પરત ફરેલ બાળકીની માતા અને તેના પરિવાર પરિવારજનોએ તપાસ કરતા બાળકી જણાઈ ન આવતા પરિવારજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હોસ્પિટલનો સ્ટાફ સહીતના દર્દીઓ બાળકીની શોધમાં લાગ્યા હતા. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બનાવ અંગે ડૉ.મેઘા ગોસ્વામીએ કડી પોલીસને જાણ કરતા પોલીસે વર્ષાબેનના નિવેદન આધારે અજાણી મહિલા વિરૂધ્ધ અપહરણ સહિતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...