મહેસાણા: ખેતરમાં વીજળી ધરાવતા ખેડૂતોને હવે 5 સ્ટારવાળા પંપસેટ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
મહેસાણા:કેન્દ્ર સરકારનુ વિજબચત યુનિટ આગામી દિવસોએ દેશભરના ખેડૂતોને મહત્તમ વિજળી બચાવતા 5 સ્ટારવાળા પંપસેટ આપવાની તૈયારીમા લાગ્યુ છે. હાલ જે ખેડૂતો પાસે પમ્પસેટ છે તે પરત લઇ સામે નવીન પંપસેટ વિનામુલ્યે આપવામા આવશે. આ માટે થતો ખર્ચ બચાવવા વિજ બચત યુનિટે વિજકંપનીઓ સાથે ચોક્કસ કરાર પણ કર્યા છે. હાલ આ સમગ્ર આયોજન કાગળ પર તૈયાર થઇ રહ્યુ છે.
વિનામૂલ્યે વિજળી બચાવતા પંપસેટ આપવા પર કામ શરૂ થયુ છે
કેન્દ્ર સરકારે હાલના વિજ ઉત્પાદન એકમો ભવિષ્યમા પણ વિજળી આપતા રહે તે માટે વિજબચત પર ભાર મૂકવાનુ શરૂ કર્યુ છે. આ માટે કેન્દ્ર સરકારે બ્યુરો ઓફ એનર્જી એફિસીયન્સી હેઠળ કઇ રીતે વધુને વધુ વિજળી બચાવી શકાય તે માટેના સંશોધનાત્મક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમા સૌ પ્રથમ એલઇડી બલ્બ આપ્યા બાદ હવે નજીકના દિવસોમા ખેતરમા વિજળીનુ કનેક્શન ધરાવતા ખેડૂતોને વિનામૂલ્યે વિજળી બચાવતા પંપસેટ આપવા પર કામ શરૂ થયુ છે.
નવીન અને વિજળી બચાવતા પંપસેટ આપવામા આવશે
ખેડૂતો પાસે હાલમા જે કોઇ પંપસેટ હશે તેને વિજકંપની લઇ લેશે અને તેના બદલામા નવીન અને વિજળી બચાવતા પંપસેટ આપવામા આવશે. ખેડૂત પાસે જે હોર્સપાવરનો પંપસેટ હશે તે જ હોર્સપાવરનો પંપસેટ આપવામા આવશે. ઉત્તર ગુજરાતમા 3લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ સમગ્ર યોજનામા પંપસેટનો જે કોઇ ખર્ચ થશે તે ન તો વિજકંપની ઉઠાવશે ન તો બ્યુરો ઓફ એનર્જી એફીસીયન્સી ઉઠાવશે પરંતુ જે કોઇ વિજયુનિટનો બચાવ થશે તે મુજબ હિસાબમા લઇ લેવામા આવશે.
પંપસેટ આપવા છતાં ખર્ચ નહિ થાય
પહેલા તો સરકારને પંપસેટનો ખર્ચ આવશે પરંતુ તેની સામે સરકાર ખેડૂતોના પંપસેટ લઇ લેશે ત્યારે ખર્ચ અડધો થઇ જશે. જ્યારે બાકી બચેલો અડધો ખર્ચ બ્યુરો ઓફ એનર્જી એફિસીયન્સી પાંચ વર્ષ દરમ્યાન વિજકંપનીને બચત થતા વિજયુનિટોના હિસાબે વિજકંપની પાસેથી હિસાબમા ગણતરી કરી લઇ લેશે જેનાથી અડધો ખર્ચ પણ પાછો મળી જશે.
આંધ્રપ્રદેશમાં પંપસેટ અપાઇ રહ્યા છે
એવુ નથી કે ગુજરાત સરકાર આ માટે કામ કરી રહી છે પરંતુ કેન્દ્રિય વિજમંત્રાલય હેઠળ દેશના અન્ય રાજ્યોમા પણ તબક્કાવાર કામગીરી ચાલુ છે જેમા આંધ્રપ્રદેશમા તો પંપસેટનુ વિતરણ શરૂ થઇ ગયુ છે.
અન્ય સમાચારો પણ છે...