પેટ્રોલની ગરબડ મામલે માથાકૂટમાં ઊંઝા સજ્જડ બંધ, ગંજબજારમાં હરાજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: ઊંઝા ગંજબજાર હસ્તકના પેટ્રોલપંપે પેટ્રોલ પુરવામાં ગરબડ મામલે કારચાલક સામે ફરિયાદ નોંધવાના વિરોધમાં શનિવારે નગરે બંધ પાળ્યો હતો. જોકે, ગંજમાં રાબેતા મુજબ હરાજી થઇ હતી. પરંતુ લેવાલી માત્ર નામની હતી. આંટા કડવા પાટીદાર યુવા સંગઠનના હોદ્દેદારોએ મામલતદારને આવેદન આપી યોગ્ય નિર્ણય નહીં આવે તો રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર સુધી ફરિયાદ લઇ જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

પાટીદાર યુવા સંગઠને આપેલા એલાનને પગલે ઊંઝા સજ્જડ બંધ

ગંજબજાર સંચાલિત પેટ્રોલપંપમાં બે દિવસ પૂર્વે રાત્રે પેટ્રોલ પુરવામાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠાવનારા કારચાલક સહિત 4 યુવાનો અને 200ના ટોળા વિરુદ્ધ હુમલો અને સરકારી કામગીરીમાં રૂકાવટનો ગુનો નોંધનારા પીઆઇ વાળંદ અને એપીએમસી ચેરમેન ગૌરાંગ પટેલની જોહુકમીના વિરોધમાં આંટા કડવા પાટીદાર યુવા સંગઠને આપેલા એલાનને પગલે શનિવારે ઊંઝા સ્વયંભૂ જડબેસલાક બંધ રહ્યું હતું. પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પણ બંધ હતી.

ગંજબજારમાં હરાજી રાબેતા મુજબ ચાલુ રહી

જોકે, ગાંધીચોકમાં કેટલાક યુવાનો બંધ દુકાનો ખોલાવવા નીકળતાં થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. સવારે સંગઠનના યુવાનો બાઇક રેલી રૂપે શહેરમાં ફરી જીમખાના ભેગા થયા બાદ આગેવાનોએ મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ત્વરિત પગલાં નહી લેવાય તો જિલ્લા કલેકટર કચેરી રેલી સ્વરૂપે જવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજીબાજુ ગંજબજારમાં હરાજી રાબેતા મુજબ ચાલુ રહી હતી, પરંતુ મોટાભાગના વેપારીઓ હડતાળમાં જોડાયેલા હોઇ લેવાલી જૂજ થઇ હતી. બપોરે 11.30 કલાકે યુવાનો હરાજી બંધ કરાવવા ગયા, ત્યારે પોલીસ અને વેપારીઓ સામ સામે આવી ગયા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો અને વાંચો, માલ લઇને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા...
અન્ય સમાચારો પણ છે...