ઉનાવા કેસ : 13 સૈયદોએ 70 વિરુદ્ધ નિવેદન આપી પુરાવા રજૂ કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સૈયદ મહિલાઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.)
મહેસાણા: ઉનાવામાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચેની અથડામણની ઘટનાએ ગામમાં તંગદીલી સર્જી છે ત્યારે ગુરૂવારે સૈયદોએ 13 નિવેદનો આપી સામા પક્ષે 70 જેટલા વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધવા મહેસાણા ડીવાયએસપીને જરૂરી પુરાવા રજૂ કર્યા હતા.નિવેદનોની એક કોપી ઉનાવા પોલીસને પણ મોકલી આપી હતી. ઉનાવા ગામમાં સૈયદો અને પઠાણો વચ્ચે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા આંતરિક વિખવાદ અને અથડામણે ગામમાં તંગદીલીનો માહોલ સર્જયો છે.

-દરગાહની પાછળ ખેતરની વાડ સળગાવી : સૈયદો
સમ્યાંતરે વાહનોની તોડફોડ,પથ્થરમારાના બનાવોએ પોલીસને પણ નિષ્ક્રિય કરી મુકી છે.આ સંજોગોમાં સૈયદોએ વાહનો અને ગેસ્ટ હાઉસમાં થયેલા તોફાનો સંબધે સ્થાનીક પોલીસે ફરિયાદ ન લેતા મામલો જિલ્લા કલેકટર પાસે પહોંચ્યો હતો.કલેકટરે આપેલી સૂચના અંતર્ગત પોલીસવડાની સૂચનાથી ગુરૂવારે હુમલાનો ભોગ બનેલા 13 સૈયદોએ મહેસાણા ડીવાયએસપીને બનાવ સંબધે લેખિત નિવેદન આપી 70 વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી માટે સંયુક્ત ફરિયાદ આપી હતી.જ્યારે ફરિયાદની એક નકલ ઉનાવા પોલીસને મોકલી આપી હતી.
ઉલ્લેખનિય છે કે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોચેલા સૈયદોએ રાત્રી સમયે વિરોધી જૂથ દ્વારા મીરાદાતાર દરગાહની પાછળના ખેતરની વાડ સળગાવ્યાનો આક્ષેપ કર્યો હતો.પોલીસે ખેતરમાં કપડાની ગોદડીઓ નાખીને સળગાવેલી વાડ હોલવવા પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...