મહેસાણા જિ. પં.ની આજે કારોબારી બેઠક 5 સભ્યો ઉઠાવાયા, ગુપ્ત કેમ્પ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદેથી કોંગ્રેસે  ભારે હઠાગ્રહથી દુર કરેલા પ્રહલાદ પટેલની જગ્યાએ કોણ તે મુદ્દે પક્ષમાં ચાલી રહેલી મડાગાંઠો વચ્ચે શરૂઆતથી કારોબારી ચેરમેનની રેસમા રહેલા એક સભ્યએ આજે મળનારી કારોબારીની બેઠકમાં બહુમતી સાબિત કરવા 5 સભ્યોને ઉઠાવી અજ્ઞાંત સ્થળે લઇ જઇ કેમ્પ કરવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જિલ્લા પંચાયતની કારોબારી બેઠકના પૂર્વ દિને જ આંતરીક ઘમાસાણ ચરમ સીમાઅે પહોંચ્યું હોય તેમ 5 સભ્યો અગમ્ય રીતે ગુમ થઇ જતા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 
મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદેથી પ્રહલાદ પટેલને માત્ર 13 મહિનામાં દુર કરવાના કચવાટ વચ્ચે હવે નવા કારોબારી ચેરમેન કોણ તે મુદ્દે પક્ષના સભ્યોમાં ખેચમતાણી સર્જાઇ છે. કારોબારી ચેરમેનની રેસમા રહેલા સભ્યો તેમના નેતાઓ મારફતે પ્રદેશ કોંગ્રેસ આગેવાનો સુધી છેડા અડાડવાની દોડધામમા છે. ત્યારે શુક્રવારે બપોરે 2 વાગ્યે જિલ્લા પંચાયત હોલમા મળનારી કારોબારી બેઠકમા કારોબારી ચેરમેનનું નામ જાહેર થનાર હોવાથી પક્ષ કોણે મેન્ડેટ આપશે તે મુદ્દે અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
 
આ સંજોગોમા કારોબારી બેઠકના બે દિવસ પૂર્વે ઇચ્છુક દાવેદારે બહુમતી સાબિત કરવા કુલ 9 પૈકી અજીત મકવાણા, રેખાબેન ચૌધરી, પ્રહલાદ પટેલ, ધરમસિંહ દેસાઇને બાદ કરતા 5 સભ્યોને ઉઠાવી અજ્ઞાત સ્થળે  લઇ જઇ કેમ્પ કર્યાનો મુદ્દો જિલ્લા કોંગ્રેસમા ચર્ચાનો વિષય બન્યો છે.
અન્ય સમાચારો પણ છે...