• Gujarati News
  • Reservation Demand : Patidar Rally In Vijapur Without Permission

મંજુરીની ઐસીતૈસી : વરસતા વરસાદમાં વિજાપુરમાં વટભેર નીકળી પાટીદારોની રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મંજુરીની ઐસીતૈસી: વિજાપુરમા પાટીદારોની વટભેર રેલી
-તંત્રએ મંજુરી ન આપવા છતા આયોજકોએ વરસતા વરસાદમાં ધરાર રેલી કાઢી આવેદનપત્ર આપ્યું : હજારો પાટીદારોનો રણટંકાર
-રેલીમા મહિલાઓ મોટી સંખ્યામા જોડાઇ, તંત્રના દાવા વચ્ચે અનામત રેલી યોજાઇ
ગાંધીનગર : પાટીદાર સમાજ દ્વારા અનામતની માગ સાથે શરૂ થયેલા આંદોલન અંતર્ગત પાટીદારોએ વીસનગર બાદ મંગળવારે વિજાપુરમાં પણ ભારે વરસાદની વચ્ચે વિશાળ મૌન રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આ રેલીમાં વિજાપુર તાલુકામાંથી લગભગ 10 હજાર પાટીદારો હાજર રહ્યા હતા, જેમાં ઘણી મહિલાઓ પણ જોડાઈ હતી. ભાવસોર પાટિયા પાસે સ્વામિનારાયણ મંદિરેથી શરૂ થયેલી રેલી સવારે 9 વાગ્યે નીકળી હતી, જેને મામલતદાર ઓફિસ સુધીનું 6 કિમી અંતર કાપતાં બે કલાક લાગ્યા હતા. આગલી રાતથી સ્વામીનારાયણ મંદિર વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાઇ ગયો હતો જ્યારે વિજાપુરને જોડતા તમામ માર્ગો અને ગામોમા પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.

દરમિયાન માણસા એપીએમસીના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ તેમ જ પાટીદાર યુવક શિક્ષણ સમિતિના કન્વિનર મુકેશ પટેલે જણાવ્યું હતું કે ‘અનામત નહિ મળે તે તેના પડઘા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડશે જે વર્તમાન સત્તાધારી પક્ષે જોવું રહ્યું. જે પક્ષને મોટો કરવામાં પાટીદારોએ રાત દિવસ એક કર્યા છે તે જ પક્ષ જો પાટીદારોની ઉપેક્ષા કરશે તો તેનાં પરિણામ ભોગવવાં પડશે. પાટીદાર મુખ્યમંત્રીનું ગામ વિજાપુરથી 10 કિલોમીટરે છે અન કેબિનેટમાં મહત્ત્વનાં હોદ્દે પાટીદારો બેઠા છે છતાં સહન કરવું પડી રહ્યું છે છતાં પાટીદારોનાં સંતાનોને ભણતર અને નોકરીમાં યોગ્યતા છતાં અનામતનો ભોગ બનવું પડે છે, પણ હવે આ સહન નહિ કરીએ.’
સરકારને ફેર નહિ પડે તેવું બોલ્યો નથી: નીતિન પટેલ
સોમવારે રાજપીપળા ખાતે આપેલા પોતાના નિવેદન અંગે જે હોબાળો થયો હતો તે વિશે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું હતું કે, પાટીદારોના આંદોલનથી સરકાર કે પક્ષને કોઈ ફેર પડવાનો નથી. તેઓ આવું કંઈ બોલ્યા જ નથી. લોકોને કોઈ ગેરસમજ ફેલાઈ હશે.

મંજૂરીની વાત છોડો, કાયદો-વ્યવસ્થા જળવાયા ને ? : મામલતદાર

રેલીને મંજૂરી મળી ન હોવાની વાત છોડો કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહી હોવાનું કહેતા વિજાપુર મામલતદાર દલપતભાઇએ જણાવ્યું હતું કે, વિજાપુર ગામ અને તેની આસપાસમા ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવાયેલો હોઇ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનેલ નથી.મંજૂરી વિના રેલી કાઢવા બાબતે હું કાઇ કહી શકુ તેમ નથી.

મુખ્યમંત્રી પાટીદાર છતા આંદોલન કરવુ પડે તે શરમજનક : વિજાપુર ધારાસભ્ય

વિજાપુરના કોગ્રેસના ધારાસભ્ય પી.આઇ.પટેલે અનામત આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા છતા પાટીદારોના દિકરાઓને અનામત આંદોલન કરવુ પડે તે શરમ જનક છે.ઉજળીયાત કોમો અને પાટીદારો મુખ્યમંત્રીના પક્ષ સાથે જોડાયેલ છે ત્યારે તેમને અનામત માટે શા માટે આંદોલન કરવુ પડે.પાટીદારોના આ આંદોલનમા હું છેક સુધી સાથે રહીશ.
આયોજકો અને ટોળા સામે ફરિયાદ
આ દરમિયાન જાણવા મળે છે કે અંતે સરકારી તંત્રએ મહેસાણા પોલીસ સ્ટેશન ખાતે 152 આયોજકો અને 8થી 9 હજારના ટોળા સામે વગર મંજુરીએ રેલી કાઢવાના ગુનાસર આઈપીસીની કલમ 188 હેઠળ ફરિયાદ નોંધી છે. જે અંગે પ્રતિક્રિયા આપતા પાટીદાર યુવક શિક્ષણ સમિતિના વિજાપુરના કન્વિનર અને રેલીના આયોજકોમાંના એક મનોજ પટેલે જણાવ્યું કે જો એક પણ પાટીદારની ધરપકડ કરવામાં આવશે તો પાટીદાર સમાજ ગાંધી ચીધ્યા માર્ગે ચાલીને મોટા પ્રમાણમાં જેલભરો આંદોલન શરું કરશે. સરકાર આ માટે તૈયાર રહે.
આગળ વાંચો પોલીસ માટે રેલીને અટકાવવી અશક્ય બની, પાટીદારો સવારથી મંદિરમા બેસી રહ્યા