તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદાર મહિલા સંમેલન: હાર્દિકના માતા-પિતા પહોંચ્યા, લાલજી પટેલનો હુરિયો બોલાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ, મહેસાણા: હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિ થાય તે પહેલા જ રવિવારે પટેલોમાં ફૂટ જોવા મળી હતી. મહેસાણામાં યોજાયેલા મહિલા મહાસંમેલનમાં એસપીજીના કન્વિનર લાલજી પટેલને ધક્કે ચડાવવા ઉપરાંત ટપલીદાવ કરવામાં આવતા તેમણે એસપીજી કન્વિનરપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે ટપલીદાવ કરીને ધક્કે ચડાવીને, તેમની કાર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. લાલજી પટેલે આ ઘટના બાદ એસપીજીના અધ્યક્ષ પદેથી તરતજ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
સમાજ માટે મેં કરેલા કામની કદાચ કોઈને કદર જ નથી: લાલજી પટેલ

લાલજી પટેલનું કહેવું છે કે ‘છેલ્લા 17 વર્ષથી હું પાટીદાર સમાજ માટે કામ કરી રહ્યો છું. હું માનું છું કે ‘પાસ’ હોય કે એસપીજી સૌ છેવટે તો પાટીદારો માટે જ કામ કરે છે. હું પણ આ જ ભાવનાથી આમંત્રણ વિના સમાજના કાર્યક્રમમાં ગયો હતો. આજે જો મારા જ ગઢ મહેસાણામાં મારા અસંખ્ય કાર્યકરોની હાજરીમાં કોઈ મારું આવું અપમાન કરે તો હું તેને સહન ન કરી શકું. મને એવું લાગ્યું કે સમાજ માટે મેં કરેલા કામની કદાચ કોઈને કદર જ નથી. તેથી દુ:ખી થઈને મેં રાજીનામું આપી દીધું છે.’ ઉલ્લેખનીય છે કે આ ઘટનાને અંતે પાટીદારો વચ્ચેનો મતભેદ સપાટી પર આવ્યો છે.

લાલજી પટેલે તેની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું કે ‘હું જ્યારે મહેસામાનાં પાટીદાર મહિલા સંમેલનમાં પહોંચ્યો ત્યારે મંચ ઉપર હાજર રહેલા સુરેશ ઠાકરે નામના ‘પાસ’ના મહેસાણાના કન્વીનરે મંચ પરથી જ મારી ઉપસ્થિતિનો જાહેરમાં વિરોધ કર્યો અને અપમાન જનક શબ્દો ઉચ્ચાર્યા હતા. જેના પરિણામે તેના સમર્થકોએ મંચની નીચે જ મારા પર ગડદા પાટુથી હુમલો કરી દીધો. પાટીદારોનું સંમેલન હતું તેથી તેને કોઈ વિઘ્ન ન નડે તે હેતુથી હું અને મારા સાથીદારો આવું જાહેરમાં થયેલું અપમાન સહન કરીને ત્યાંથી પરત થયા હતા.

લાલજી પટેલે ‘પાસ’ સાથેના એસપીજીના ભવિષ્યના સંબંધો વિષે જણાવ્યું કે જ્યાં સુધી સુરેશ ઠાકરે જેવા લોકો ‘પાસ’ સાથે જોડાયેલા રહેશે ત્યાં સુધી અમારે હવે ‘પાસ’ સાથે રહીને સમાજલક્ષી કોઈ પણ કાર્યક્રમ કરવાં શક્ય નથી. મેં એસપીજીના નેજા હેઠળ આ મહિલા સંમેલનને સફળ બનાવવા માટે અનેક સભાઓ કરી છે. આ સંમેલનને જાહેરમાં સમર્થન આપ્યું છે. તેમ છતાં મારી સાથે આવું વર્તન થાય તો તે સહન નહીં થઈ શકે.

લાલજી પટેલ વિના આમંત્રણે આવ્યા છતાં અમે મંચ પર બોલાવ્યા હતા

‘પાસ’ના આગેવાનોનું કહેવું છે કે ‘લાલજી પટેલ વિના આમંત્રણે આવ્યા હતા. મહિલા સંમેલન માટે કોઈ સમર્થન આપ્યું ન હતું. તેમ છતાં એક પાટીદાર તરીકે અમે તેમને મંચ પર બોલાવ્યા હતા. જે વ્યક્તિએ તેમનો વિરોધ કર્યો તેને અને લાલજી પટેલને કોઈ વ્યક્તિગત અણબનાવ હોઈ શકે છે. ‘પાસ’ દ્વારા કોઈ વિરોધ કરાયો નથી. તેમ છતાં લાલજી પટેલે ઘટના બાદ જે નિવેદન આપ્યું છે તે દુખદ છે. લાલજી પટેલ કાયમ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ ભાજપના માણસ તરીકે આવ્યા હોય અને ભાજપની ભાષા બોલતા હોય તેમ લાગી રહ્યું છે.’

ઘટનાથી વ્યથિત બની રાજીનામું આપ્યું

મહેસાણાનો હોવા છતાં શહેરમાં આયોજિત પાટીદાર મહિલા સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ ન આપ્યું હોવા છતાં પાટીદાર હોવાના નાતે ગયો હતો. અંગત સ્વાર્થમાં તેમને સમાજનું બગાડવા પ્રયાસ કર્યો છે. સ્ટેજ પર સ્થાન ન આપી સંમેલનમાં થયેલી ગેરવર્તણૂંકથી વ્યથિત બનીને એસપીજીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. - લાલજી પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એસપીજી

લાલજી કાર્યક્રમને બગાડવા આવ્યા હતા ભગાડવાનો નિર્ણય પાસનો હતો

મહિલા સંમેલન પાસ દ્વારા આયોજીત કાર્યક્રમ હતો. લાલજી પટેલ કાર્યક્રમને ખરાબ કરવાના ઇરાદાથી આવ્યા હતા. તેમને સ્ટેજ પર નહીં બેસાડવાનો નિર્ણય પણ પાસનો હતો. પ્રથમ તેમને પાટીદાર તરીકે સ્ટેજ પર બેસાડવાના હતા, પરંતુ તે હંમેશા કોઇપણ પ્રકારના સહયોગ વિના પાછળથી આવીને સસ્તી પ્રસિદ્ધિનો પ્રયાસ કર્યો હતો.
નરેન્દ્ર પટેલ, પાસ કન્વિનર, ઉત્તર ગુજરાત.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, 1800થી વધુ પોલીસ-એઆરપીનો કાફલો તહેનાત, વ્રજ, રાયોટકંટ્રોલ વાહન મૂકાયાં...