• Gujarati News
  • Mehsana, Jotana, Vadnagar, Kadi, Visanagar In Rain Fall Latest News

મહેસાણા: મોડી મોડી મેઘમહેરથી મોલાત મલકી, લાંબા વિરામ બાદ એન્ટ્રીથી આનંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મહેસાણાના ગોપી નાળામાં વરસાદથી પાણી ભરાઇ ગયાં હતાં.)
-ઉત્તર ગુજરાતમાં દોઢ માસના લાંબા વિરામ બાદ એન્ટ્રીથી આનંદ
-મહેસાણા, જોટાણા, વડનગર, કડી, વિસનગરમાં વરસાદ
મહેસાણા/કડી/વિસનગર:જુલાઈ માસમાં તારાજી સર્જી વરસાદે જાણે લાંબો વિરામ લીધો હતો. દોઢેક માસ બાદ શુક્રવારે સાંજે મહેસાણા શહેર સહિત જિલ્લામાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થતાં મુરઝાયેલી મોલાતને જીવતદાન મળવાની આશાએ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. કડીના ખાખરિયા ટપ્પામાં પણ વરસાદ થતાં પાકને જીવતદાન મળ્યું છે.
જુલાઈના છેલ્લા દિવસોમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદે સર્વત્ર તારાજી સર્જી હતી. ત્યાર બાદ વરસાદે વિરામ લેતાં ઊભો પાક સૂકાતો હતો. પિયતની વ્યવસ્થા હોય તેમણે મોંઘા પિયતનો સહારો લેવો પડ્યો હતો.
બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપથી પણ લોકો અકળાયા હતા. શુક્રવારે દિવસે ઉનાળા જેવી દેહદઝાડતી ગરમીનો અહેસાસ થતો હતો. દરમિયાન સાંજે ચારેક વાગ્યે મહેસાણા શહેરમાં વરસાદી ઝાપટું પડતાં બજારમાં દોડધામ થઈ ગઈ હતી. થોડીવાર વરસીને બંધ થઈ ગયેલો વરસાદ સાંજે સાડા પાંચેક વાગ્યે ફરીથી શરૂ થયો હતો અને ધોધમાર વરસતાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.
ગોપીનાળા સહિત વિવિધ નીચાણવાળા માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં બહુચરાજી અને ઊંઝાને બાદ કરતાં તમામ વિસ્તારોમાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ પડતાં મુરઝાયેલી મોલાતને જીવતદાન મળ્યું હતું.શુક્રવારે સાંજે વિસનગર, વડનગર તેમજ ખેરાલુ પંથકમાં પણ તેજ પવન સાથે વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વિસનગરના દરબાર રોડ, ગંજી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠાના અંબાજી, દાંતા, પાલનપુર, થરાદ, થરા અને ધાનેરામાં તેમજ સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સીમલજમાં વીજળી પડતાં પશુનું મોત થયું હતું. બપોરે 4 વાગ્યા સુધીમાં માલપુર-35 મીમી, બાયડ-13 મીમી, મોડાસા 12 મીમી અને ધનસુરામાં 7 મીમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ભિલોડા, પોશીના, ગાંભોઇ તથા વિજયનગર, સહિતના વિસ્તારોમાં પાકને માફક આવે તેવો વરસાદ પડતાં જિલ્લાની પ્રજા આનંદથી ઝૂમી ઉઠી છે. હિંમતનગર અને પ્રાંતિજમાં 12 તેમજ તલોદમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં વરસાદ
મહેસાણા 6 મિમિ
કડી 3 મિમિ
ખેરાલુ 2 મિમિ
વડનગર 5 મિમિ
વિજાપુર 2 મિમિ
વિસનગર 4 મિમિ
જોટાણા 13 મિમિ
સતલાસણા 1 મિમિ