તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓની તકરારમાં ઠાકોર-પટેલ બાખડ્યા, ટોળાએ ખુલ્લી તલવારો તોડફોડ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી નાની તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં શનિવારે પટેલો અને ઠાકોરોના બે જૂથ સામ સામે આવી ગયા હતા. ખુલ્લી તલવારો અને ધોકા સાથે ઠાકોરોના ટોળાઅે બસ સ્ટેન્ડ નજીક એક શોપિંગ મોલ સહિત 4 દુકાનો અને 3 વાહનોમાં તોડફોડ કરી બજાર બંધ કરાવી દીધું હતું. ભારેલા અગ્નિ વચ્ચે ગામમાં પહોંચેલી પોલીસ ઉપર પણ ટોળાએ હુમલો કરી પથ્થરમારો કરતાં પોલીસવાનના કાચ ફૂટી ગયા હતા. આથી પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટિયરગેસ છોડ્યો હતો. ત્યાર બાદ ટોળું વિખેરાતાં મામલો થાળે પડ્યો હતો.

- ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લેવા ટિયરગેસ છોડાતાં નાસભાગ
-બસ સ્ટેન્ડ અને ટાવર વિસ્તારમાં આતંકથી કરફ્યૂ જેવો માહોલ
-લાંઘણજ સહિત જિલ્લાભરની પોલીસ ગામમાં ઉતરાઇ
મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામની એમ.કે. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ-10ની ચાલી રહેલી પ્રિલીમીનરી પરીક્ષા અંતર્ગત ત્રણ દિવસ પૂર્વે પટેલ યુવાને પરીક્ષા દરમિયાન ઠાકોર યુવાનને તેની ઉત્તરવહીમાં નહીં જોવા કહેતાં ઠાકોર વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો અને તેને અન્યો સાથે મળી બોલાચાલી કરી હતી. આ મુદ્દે બંને કોમના વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલી તકરાર દરમિયાન શનિવારે સવારે ઠાકોર યુવાનો આ મામલે સમાધાન માટે ગયા હતા. જોકે, સમાધાન બાજુમાં રહ્યુ હતું અને પટેલ અને ઠાકોરના ટોળા સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો.
ઠાકોર યુવાનો પર હુમલો થયાની જાણ થતાં આસપાસના ગામના 200થી વધુ ઠાકોરો ખુલ્લી તલવારો, ધોકા સહિત જીવલેણ હથિયારો સાથે ગામમાં ધસી આવ્યા હતા અને ધાકધમકીપૂર્વક જાહેર માર્ગો પરની તમામ દુકાનો બંધ કરાવી તોફાન મચાવતાં તંગદિલી વ્યાપી ગઇ હતી. ગુંડ્ડાગર્દી પર આવી ગયેલા ટોળાએ પથ્થરમારા વચ્ચે ટાવર વિસ્તારમાં આવેલા રાજપાર્લર સહિત બે દુકાનોમાં તોડફોડ કરી હતી. બાદમાં એસટી બસ સ્ટેન્ડ સામે આવેલી નવરંગ પાર્લર અને નજીકમાં આવેલા વેલોસીટી મોલ ઉપર પથ્થરમારા બાદ તોડફોડ કરતાં તંગદિલી પ્રસરી ગઇ હતી. ટોળાએ પથ્થરમારો કરી પોલીસવાનના કાચ ફોડ્યા હતા.
આથી પોલીસે ટિયરગેસનો એક સેલ છોડાતં ટોળું વિરવિખેર થઇ ગયું હતું. જોકે, ગામમાં કરફ્યૂ જેવા માહોલ વચ્ચે અજંપાભરી સ્થિતિ બની રહી હતી. આ બનાવને પગલે લાંઘણજ પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને વધુ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગોઝારિયાને જોડતા તમામ માર્ગો ઉપર પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. આ ઘટના અંગે લાંઘણજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો : ડીવાયએસપી
મહેસાણા ડીવાયએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીમાં સમાધાન દરમિયાન થયેલા વિવાદ વચ્ચે ઠાકોરોના ટોળાઅે હુમલો કર્યો હતો. ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
રાત્રે ગામમાં સભા બોલાવાઇ
ગોઝારિયામાં ઠાકોરોના ગણતરીના ઘરોને બાદ કરતાં બહુમતી પાટીદારોની છે. આ સંજોગોમાં ગામના આગેવાનોએ હુમલા સંબંધે જરૂરી નિર્ણય લેવા રાત્રે તાબડતોબ ગ્રામસભા બોલાવવાનો નિર્ણય લીધો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, પટેલ અને ઠાકોર જૂથની 3 અલગ-અલગ ફરિયાદો નોંધાઇ...