ઉત્તર ગુજરાતમાં ઉનાળાના પારંભે જ સૂર્યનો પ્રકોપ, તાપમાન 43 ડિગ્રી પાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીના વધારા સાથે સોમવારે બપોરે તાપમાનનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો હતો અને ડીસામાં રાજ્યનું સૌથી વધુ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. હીટવેવથી સિઝનમાં પ્રથમવાર સર્જાયેલી આ સ્થિતિના કારણે બપોરના સમયે ઉત્તર ગુજરાતનાં બજારોમાં ચહલપહલ ઓછી થઈ ગઈ હતી.
 
ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે એક સમયે વધેલું તાપમાન પણ ઘટી ગયું હતું અને પંદરેક દિવસ પહેલાં 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં નોંધાયું હતું. છેલ્લા અઠવાડિયાથી સતત વધી રહેલા તાપમાનના કારણે ઉનાળાનો પ્રારંભ થયો હોવાનો અહેસાસ થયો હતો. પરંતુ રવિવારે 2થી 3 ડિગ્રી અને સોમવારે ફરી 1.5થી 2 ડિગ્રી જેટલા વધારાના કારણે સોમવારે ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસર રંગ બતાવ્યો હતો. સિઝનમાં પ્રથમવાર 43 ડિગ્રી પાર કરી ગયેલા તાપમાન વચ્ચે સોમવારે બપોરે ગરમ પવનોથી લોકો અકળાયા હતા. 

માર્ગો પરથી પસાર થતા લોકોને મોં સહિતના ખુલ્લા અંગો ઢાંકવાની ફરજ પડી હતી અને મોટાભાગે બજારોમાં ચહલપહલ ખુબ ઓછી થઈ ગઈ હતી. આગામી બે દિવસ સુધી હીટવેવની અસરથી આવી જ ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોનું તાપમાન
 
ડીસા 43.4 ડિગ્રી
મહેસાણા 43 ડિગ્રી
પાટણ 43 ડિગ્રી
હિંમતનગર 41 ડિગ્રી
 
હીટવેવના કારણે લૂથી બચવા શું કરવું જોઈએ
 
- પુષ્કળ પાણી પિવું અને શક્ય હોય તો લીંબુ શરબત પિવો.
- નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્તોએ તડકામાં ફરવું નહીં.
- ખુલ્લાં સફેદ સુતરાઉ કપડાં પહેરવાં.
- ભીના કપડાથી માથું ઢાંકી રાખવું.
- ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું.
 
ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું
 
- રવિવારે ડીસામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ હતું અને આ સિલસિલો સોમવારે પણ યથાવત રહ્યો હતો. સોમવારે ડીસામાં મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી જેટલું નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ હતું.
 
- ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનાનો તાપમાનનો રેકોર્ડ તૂટ્યો
 
- ઉત્તર ગુજરાતમાં માર્ચ 2011માં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયેલું હતું. સોમવારે ડીસામાં સૌથી વધુ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું અને માર્ચ મહિનાનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે.
 
- દિવસ અને રાતના તાપમાનમાં 18થી 20 ડિગ્રીનો તફાવત
 
દિવસે ગરમ પવનો ફૂંકાવાથી મહત્તમ તાપમાન વધીને 43 ડિગ્રી પાર કરી ગયું છે તો સાથે સાથે રાત્રે પણ તાપમાનનો પારો 24થી 25 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જો કે, તેમ છતાં હજુ પણ દિવસ અને રાતના તાપમાનમાં 18થી 20 ડિગ્રી જેટલો વધુ તફાવત છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...