મોડાસા: ઉનાના સમઢીયાળામાં દલિત યુવકો પર અત્યાચારના મામલે અપાયેલા ગુજરાત બંધના એલાનથી ઉત્તર ગુજરાતનું જનજીવન વધુ એકવાર હિંસાત્મક માહોલ અને તંગદિલીથી પ્રભાવિત બન્યું હતું. મહેસાણામાં પાલિકાના જનસેવા કેન્દ્રમાં અને ફાયનાન્સ ઓફિસમાં પથ્થરમારો કરી ટોળાએ તોડફોડ કરી હતી. તો પાલનપુરમાં મુખ્યમંત્રીના પોસ્ટર્સ ફાડીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ચક્કાજામથી વાતાવરણ તંગ બન્યું હતું. પાટણના બગવાડા દરવાજાએ ચક્કાજામ કરી સિટી પોઇન્ટ થિયેટરમાં ટોળાએ તોડફોડ કરી હતી. સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં સ્થિતિ સામાન્ય રહી હતી. પણ મોડાસામાં બંધ હિંસક બન્યો હતો. જેમાં ઘવાયેલા બે વેપારીઓને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં દલિતો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો પણ અપાયા હતા.
ઘર્ષણમાં બે વેપારીઓ ઘવાતાં વેપારી એસોશિએશન દ્વારા મોડાસા બંધનું એલાન
ઉનાના સામઢીયાળામાં દલિત યુવકો ઉપર કરાયેલ અત્યાચારના વિરોધમાં દલીત પેન્થર સમાજ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાન દરમ્યાન મોડાસામાં દલીત રેલી યોજાઇ હતી. રેલી બાદ તોફાને ચડેલા ટોળાએ માલપુર રોડ ઉપરની દુકાનો બળજબરી પૂર્વક બંધ કરાવવાના મુદ્દે સર્જાયેલ ઘર્ષણમાં બે વેપારીઓ ઘવાતાં સમગ્ર નગરમાં ભયનો માહોલ સર્જાયો હતો. હિંસાના બનાવમાં ઘવાયેલ હની એજન્સીના વેપારી હિતેન્દ્રભાઇ જોષી અને રામદેવ ઇલેકટ્રોનિકના હિતેન્દ્રસિંહ રાજપુરોહિતને સિવિલમાં હોસ્પીટલ ખસેડાયા હતા. ન્યાયની માંગણી હેઠળના કાર્યક્રમમાં જ અન્ય પ્રજા અને વેપારીઓને થયેલા અન્યાય સામે અવાજ ઉઠવાવવા મોડાસાના વિવિધ વેપારી એશોશીયેશનો દ્વારા ગુરૂવારે મોડાસા બંધનું એલાન અપાયું છે. અને મચેલા આંતકના વિરોધમાં વેપારીઓ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું વેપારી મંડળે જણાવ્યું હતું.
હિંમતનગરમાં બંધની કોઇ અસર વર્તાઇ ન હતી
સાબરકાંઠા જિલ્લામાં અપાયેલા બંધના એલાનના ભાગરૂપે વડાલી, બડોલી, ખેડબ્રહ્મા અને ભિલોડામાં દલિતો દ્વારા સજ્જડ બંધ પળાયો હતો. જોકે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં બંધની કોઇ અસર વર્તાઇ ન હતી. બડોલીમાં બંધને કારણે સવારે 10-30 વાગ્યાથી બપોરે 1-30 વાગ્યા સુધી કરાયેલા ચક્કાજામને કારણે જિલ્લા પોલીસવડા સહિત તંત્રના અધિકારીઓએ આવીને સમજાવટ કરાયા બાદ ચક્કાજામનો અંત આવ્યો હતો.
આગળની સ્લાઇજમાં જુઓ વધુ તસવીરો અને વાંચો, ડરામણા માહોલનો ઉચાટ, ઘરે સલામત પહોંચાય તો સારું!....