• Gujarati News
  • Congress MPs Offices Play An Enclosure,Leaders View Police Disappeared From In Mahesana

મહેસાણામાં સાંસદની ઓફિસને ઘેરવાનું કોંગ્રેસનું નાટક, પોલીસ જોતાં જ નેતાઓ ગાયબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 10 મહિલા સહિત 15 કાર્યકરોની અટકાયત કરાઇ
- કોંગ્રેસની રેલી સાંસદ કાર્યાલય આગળ પહોંચતાં પોલીસે અટકાવી
મહેસાણા: ચૂંટણી સમયે પ્રજાને આપેલા વચનો કેન્દ્રની મોદી સરકારે એક વર્ષના શાસનમાં પૂર્ણ નહીં કર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મંગળવારે સાંસદ ઘેરાવના રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહેસાણામાં સાંસદની ઓફિસનો ઘેરાવો કરવા ગયેલા જિલ્લાના કોંગ્રેસી નેતાઓએ રીતસરનું નાટક ભજવ્યું હતું. કાર્યક્રમને ઉગ્ર બનાવવા આગળ આવેલી 10 મહિલા કાર્યકરોએ સાંસદના કાર્યાલય બહાર અપૂર્ણ રહેલા વચનોની યાદી ચીપકાવી ધરપકડ વહોરી હતી. જ્યારે કહેવાતા નેતાઓ રાબેતા મુજબ પોલીસ જોતાં જ રફુચક્કર થઇ ગયા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આડે મહિના ગણાઇ રહ્યા છે ત્યારે કુંભકર્ણની નિદ્રામાંથી માંડ જાગેલ જિલ્લા કોંગ્રેસ દ્વારા મંગળવારે એનડીએ સરકારમાં 1 વર્ષના શાસન દરમિયાન આપેલા વચનો પૂર્ણ ન કરવાના મુદ્દે મોઢેરા ચાર રસ્તા નજીક શાંતિસદન ફ્લેટમાં આવેલા સાંસદ જયશ્રીબેન પટેલના કાર્યાલયનો ઘેરાવ કરવા રેલી સ્વરૂપે પહોચ્યા હતા. બીજીબાજુ અગાઉથી મળેલી જાણકારીને પગલે સાંસદ કાર્યાલયનો સ્ટાફ અત્રે તાળું મારીને દૂર ઉભો રહી ગયો હતો. પોલીસ છાવણીમાં ફેરવાયેલા આ વિસ્તારમાં સૂત્રોચ્ચાર સાથે પહોચેલા કોંગી નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દીક ઘર્ષણ વચ્ચે કેટલીક મહિલા કાર્યકર્તાઓ એક વર્ષના શાસન દરમિયાન પૂર્ણ ન કરેલા વચનોની યાદી સાંસદના કાર્યાલયના દરવાજા પર ચીપકાવી આવી હતી.
જોકે, ઉગ્ર બનેલી પોલીસે હાજર કોંગી નેતાઓની અટકાયતનો પ્રયાસ કરતાં તેઓ રફુચક્કર થઇ ગયા હતા. જ્યારે પોલીસે 10 મહિલા કાર્યકર્તાઓ, અગ્રણી કનુભાઇ મિસ્ત્રી સહિત 15 કાર્યકરોની અટકાયત કર્યા બાદ પાછળથી છોડી મૂક્યા હતા.