તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: અસંતુષ્ટોને મનાવવા કોંગ્રેસના છેલ્લી ઘડી સુધી પ્રયાસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન અને ઓબીસી સમાજના સામાજિક ક્રાંતિ આંદોલનની વ્યાપક અસરને ધ્યાને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં સાતેય બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ અને જાતિના સમીકરણ  જાળવવા છેક છેલ્લી ઘડી સુધી મથામણ કરવી પડી હતી. જેમાં ભાજપે પાંચેય ધારાસભ્યોને રિપીટ કરી સેફગેમ ખેલી છે. તો કોંગ્રેસે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સમજૂતીના ભાગરૂપે ત્રણ બેઠકો પર તેમની ભલામણવાળા ઉમેદવારો મૂકતાં મૂળ કોંગ્રેસીઓ ભડક્યા હતા અને ત્રણેય બેઠકો પર અપક્ષ તરીકે ઝુકાવ્યું છે. એમાંય બુધવારે બહુચરાજી બેઠકના દાવેદારોએ કાર્યકરોનો મોરચો લઇ પ્રદેશ કાર્યાલયે હલ્લાબોલ મચાવ્યો હતો. ગુરુવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોઇ ઊભી થયેલી પરિસ્થિતિને ખાળવા મોવડી મંડળ દ્વારા સમજાવટ અને મનાવવાના પ્રયાસો તેજ કરાયા છે.

 

બહુચરાજી-જોટાણા વિસ્તારના કાર્યકરોનો પ્રદેશ કાર્યાલયે હલ્લાબોલ

 

બહુચરાજી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઠાકોર સેનાના ભરત ઠાકોરને ટિકિટ આપતાં મુખ્ય દાવેદાર કિરીટ પટેલ (દેવગઢ)એ,  તો ખેરાલુમાં રામજી ઠાકોરને ટિકિટ આપતાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ દેસાઇએ, જ્યારે વિસનગરમાં મહેશ પટેલને ટિકટ આપતાં પૂર્વ મંત્રી કિરીટ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. જેને પગલે પક્ષના આગેવાનો દ્વારા તેમને મનાવવા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ દાળ ગળતી હોય તેમ નહીં જણાતાં પ્રદેશ બાદ હવે છેલ્લી ઘડીએ રાષ્ટ્રીય નેતૃત્વ મેદાનમાં આવ્યું છે. 

 

વિસનગર, બહુચરાજી અને ખેરાલુના મુખ્ય દાવેદારોની અપક્ષ ઉમેદવારીને દોડાદોડ

 


આ બધા વચ્ચે બહુચરાજી બેઠકમાં સમાવિષ્ટ બહુચરાજી, જોટાણા અને મહેસાણા તાલુકાના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો બુધવારે બપોરે અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય પહોંચી હોબાળો મચાવ્યો હતો. પ્રદેશ મોવડી મંડળ સમક્ષ ઉમેદવાર ભરત ઠાકોરને વિસ્તારમાં કોઇ ઓળખતું નથી, તેમની બહુચરાજીમાં ઓફિસ પણ નથી, નેટવર્ક પણ નથી. આ સંજોગોમાં પક્ષને થતું નુકસાન ટાળવા વડગામ બેઠકની જેમ અપક્ષ કિરીટ પટેલના સમર્થનમાં ભરત ઠાકોરનું ફોર્મ પરત ખેંચી લેવા જણાવ્યું હતું, નહીં તો તેમની ઉમેદવારી ચાલુ જ રહેશે તેવી ચીમકી આપી છે. તો ખેરાલુ બેઠક પર અપક્ષ ઝુકાવનાર મુકેશ દેસાઇને તેમજ વિસનગરના  કિરીટ પટેલને પણ સમજાવવા પ્રયાસો ચાલી રહ્યાનું સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...