Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 મી સુધીમાં સ્થગિત ભરતી નહીં થાય 17 મીથી આંદોલનનું રણશિંગુ
રાજ્યમાં શિક્ષણ સહાયક સહિત વિવિધ 10 કેડરમાં સરકાર,નિગમરાહે શરૂ કરાયેલ ભરતી પ્રક્રિયા અધવચ્ચે સ્થગિત કરવામાં આવતા ઉમેદવારો લાલઘૂમ થયા છે.જેમાં કેટલાક ઉમેદવારોની વયમર્યાદા પણ પૂર્ણ થવા આવી છે.આ સ્થિતીમાં વિવિધ 10 કેડરમાં સ્થગિત ભરતીઓ જલદી શરૂ કરવા મહેસાણામાં ઉમેદવારોએ જિલ્લા કલેકટર કચેરીએ લેખિત આપ્યુ હતું.આગામી 16મી માર્ચ સરકાર હકારાત્મક પગલા નહિ લે તો 17મીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવાની શિક્ષિત બેરોજગારોએ ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં બેરોજગારોનો દર વધી રહ્યો છે.ઘણી ભરતીઓની જાહેરાત પછી વિવિધ કારો રજૂ કરી હજુ સુધી ભરતી પુરી કરવામાં આવી નથી.ગત 16 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર આગામી અનિશ્ચિત સમય સુધી કોઇ ભરતી પ્રક્રિયા આગળ વધે એમ નહિ.જે ગુજરાતના બેરોજગાર ઉમેદવારોનો ચિંતાનો વિષય બન્યો છે.જી.આર પ્રશ્નના કારણે તમામ ભરતીઓ સ્થગિત થઇ તેનું સમાધાન ક્યારે આવશે તેને લઇને શીક્ષિત બેરોજગારોએ સવાલો ખડા કર્યા છે.બીજી તરફ કર્મચારીઓની ઘટના કારણે માઠી અસર વહીવટી તંત્ર ઉપર પડી રહી છે.જેની પરોક્ષ અસર પ્રજાની સુવિધાઓ પર થાય છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે વાલીઓ મોંઘી ફી ચૂકવી બાળકોને પ્રાઇવેટ શાળામાં મૂકવા મજબૂર બને છે.ત્યારે વર્તમાનમાં સરકાર દ્વારા સ્થગિત કરાયેલ ધોરણ 9 થી 12 શિક્ષ્ણા સહાયક, જીપીએસસી વર્ગ 1 અને 2, કૃષિ યુનિવર્સીટી કારકુન, પીજીવીસીએલ વિદ્યુત સહાયક, તલાટીકમ મંત્રી, ધોરણ 6 થી 8 વિદ્યાસહાયક, ફોરેસ્ટ ગાર્ડ, એસટી કંડક્ટર અને ડ્રાઇવર, બિન સચિવાલય ક્લાર્ક તેમજ સિનીયર અને જુનિયર ક્લાર્કની ભરતીઓ હવે સત્વરે શરૂ કરવા માંગ કરાઇ છે.
ટાટ પાસ ઉમેદવાર રજનીકાન્ત પટેલે કહ્યુ કે, શિક્ષણ સહાયકોની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીની જાહેરાત જલદીથી શરૂ નહિ થાય તો કોર્ટ મેટર બનવાની પ્રબળ શક્યતાઓ છે. સરકારમાં વાંરવાર રજુઆતો કરી ચૂક્યા છીએ,ઘણાને વયમર્યાદાના પ્રશ્નો સામે આવી રહ્યા છે.હવે વધુ વિવાદમાં ન રહેતા સત્વરે સ્થગિત ભરતીઓ શરૂ કરવા લાખો બેરોજગારો
ઇચ્છી રહ્યા છે.
સરકાર 16 માર્ચ સુધી હકારાત્મક પગલું નહિ લે તો 17મીથી સત્યાગ્રહ છાવણીમાં : બેરોજગારો