તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરાઓ સાથે જ ક્રિકેટ રમતી રાજવીબા રાજ્યની અંડર-17 ગર્લ્સ ટીમની કેપ્ટન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના નાગલપુર વિસ્તારની સત્યમપાર્ક સોસાયટીમાં રહેતા હરદેવસિંહ સિસોદિયા 5 વર્ષ પહેલાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતાની ટ્રોફી લઈ ઘરે આવ્યા, ત્યારે તેમની 9 વર્ષની દીકરી રાજવીબાએ કહ્યું હતું કે- પપ્પા મારે પણ ક્રિકેટ રમી આવી ટ્રોફી જીતવી છે, મને ક્રિકેટ શીખવાડો. હરદેવસિંહ પોતે ક્રિકેટ રમવાની સાથે તેના કોચ પણ છે. શરૂઆતના તબક્કે બે વર્ષ સુધી ક્રિકેટની બેઝિક પ્રેક્ટિસ કરાવી. રાજવીબાનો ક્રિકેટ પ્રત્યે પ્રેમ જોઈ તેને ક્રિકેટમાં ઓલરાઉન્ડર બનાવવા પિતાએ તેને છોકરીઓની જેમ તાલીમ આપવાને બદલે છોકરાઓ સાથે ક્રિકેટ રમાડવાનું શરૂ કર્યું. છેલ્લા 3 વર્ષમાં રાજવીબાએ સ્થાનિકથી લઈ અન્ય જિલ્લાઓમાં 80થી વધુ મેચો છોકરાઓ સાથે રમી. ક્રિકેટની દુનિયામાં માત્ર 14 વર્ષની ઉંમરે તે ફાસ્ટ બોલર અને સારી બેસ્ટમેન તરીકે ઝડપથી ઉભરી આવી. બીજી બાજુ રાજવીબાને ક્રિકેટ રમતાં જોઈ અંડર-17માં ગર્લ્સની નેશનલ ટીમમાં પ્રવેશ મળ્યો. જેમાં વર્ષ 2015-16 અને 2016-17માં જમ્મુ કાશ્મીરમાં બે નેશનલ કક્ષાની મેચ રમી. 2017-18માં મધ્યપ્રદેશમાં પણ સારો દેખાવ કર્યો. તેની રમત જોઈ પંજાબના ચંદીગઢ ખાતે સિનિયર વુમન્સની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તે સૌથી નાની વયની ખેલાડી તરીકે જોડાઈ. જેમાં જ્યાં અન્ય ખેલાડી 22થી 25 વર્ષની વયની હતી ત્યાં 14 વર્ષની રાજવીબા તેમાં સામેલ હતી. છેલ્લા ત્રણ વર્ષના દેખાવને જોઈ તાજેતરમાં એસજી એફઆઈની અંડર-17ની ટીમમાં રાજવીબાને ગુજરાતની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે. જે હાલમાં પોરબંદર ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. રાજવીબાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમ તા.12થી 16 જાન્યુઆરી સુધી આંધ્રપ્રદેશ ખાતે ટૂર્નામેન્ટમાં રમશે.

મહેસાણાનો વિદ્યાર્થી ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં રાજ્યમાં ચેમ્પિયન બન્યો
મહેસાણા|અમદાવાદમાં ખેલ મહાકુંભની ચેસની રાજ્ય કક્ષાની ઓપન ગૃપ એજમાં અહીંના કરણ રાજેશભાઇ ત્રિવેદીએ ચેમ્પિયન બની રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાને રહી મેદાન માર્યું હતું. કરણ એસો.ની સ્પર્ધામાં પસંદ થઇ અનેક વખત તામિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નેશનલ ટૂર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂકયો છે. હાલમાં તેનું ઇન્ટરનેશનલ રેટીંગ 1856 છે અને 9થી 16 જાન્યુઆરી દિલ્હીમાં યોજાનારી ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...