માતાની આંગળી પકડી બસમાંથી ઉતરેલા માસૂમને કારે કચડતાં મોત, માતાને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતરાઇ બહેનના ઘરે મામેરામાં જવા માટે શુક્રવારે ચાર વર્ષના પુત્રની આંગળી પકડી એસટી બસમાંથી ઉતરેલી મહિલા રસ્તો ક્રોસ કરે તે પહેલાં જ એક કારે માતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે મહિલાને ગંભીર હાલતમાં મહેસાણાની હોસ્પિટલમા ખસેડાઇ હતી.

અમદાવાદ ખાતે રહેતા વિષ્ણુભાઇ ઇશ્વરભાઇ દેસાઇના પત્ની મમતાબેન છેલ્લા કેટલાક દિવસોથી પિયર ગયાં હતાં અને શુક્રવારે મહેસાણા તાલુકાના અલોડા ગામે તેમના પિતરાઇ બહેનનાં ઘરે મામેરા પ્રસંગ હોઇ ચાર વર્ષના પુત્ર ગુંજન સાથે ચાણસ્માથી એસટી બસમાં બેસી અલોડા જવા નીકળ્યા હતા. અલોડા પાટિયે એસટી બસમાંથી પુત્રની આંગળી પકડીને નીચે ઉતરેલા મમતાબેન રોડ ક્રોસ કરે તે પહેલાં જ અહીંથી પૂરઝડપે પસાર થયેલી કારે માતા અને પુત્રને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં માથામાં ગંભીર ઇજા થતાં મુંજલનું મોત થયું હતું, જ્યારે મમતાબેનને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત અંગે ગોવનાના સંજયભાઇ દેસાઇએ જીજે 2ડી ઝેડ 0246 નંબરના વાહન ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

ત્રણ બહેનો એકના એક ભાઇના મૃત્યુથી ભાગી પડી
ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો અને તેના મૃત્યુની જાણ થતાં જ તેઓ રડી પડી હતી. બીજી બાજુ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મમતાબેનનો એક જ સવાલ હતો કે, મારા ગુંજનની તબિયત કેવી છે, તેને કંઇ થયું નથીને.

અન્ય સમાચારો પણ છે...