સોનોગ્રાફીમાં બાળક મૃત જણાયા બાદ માતાનું પણ મોત થતાં પરિવારનો હોબાળો

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:11 AM IST
Visnagar News - latest visnagar news 041100
વિસનગર | વિસનગરની જ્યોતિ હોસ્પિટલમાં શુક્રવારે પ્રસૂતિ માટે લવાયેલી વડનગરના નવાપુરાની મહિલા અને તેના બાળકનું મોત થતાં પરિવાર જનોએ તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સોનોગ્રાફીમાં બાળક મૃત જણાયા બાદ માતાનું પણ મોત થતાં રોષે ભરાયાં હતાં. શહેર પોલીસે મામલો શાંત પાડ્યો હતો. મહિલાના મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ સિવિલ મોકલી અપાયો હતો. શનિવારે આ મામલે પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી હતી.

વિસનગર જ્યોતિ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી મહિલા અને બાળકનું ડૉકટરોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, લાશ પીએમ માટે અમદાવાદ સિવિલમાં મોકલાઇ

નવાપુરા ગામની શિલ્પાબેન ઠાકોર નામની 30 વર્ષિય સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે શુક્રવારે સવારે વિસનગરની જ્યોતિ હોસ્પિટલના જીવનયોગ નર્સિંગહોમમાં લવાઇ હતી. સાંજના સમયે પરિવારે મહિલાની સ્થિતિ જાણવા રૂબરૂ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે હોસ્પિટલના સ્ટાફ અને ડૉકટરોએ મહિલાની હાલત ગંભીર હોવાનું કારણ આપી મળવા દીધા ન હતા. પરિવારને શંકા જતાં હોબાળો મચાવ્યો હતો, જેને લઇ દોડી આવેલી પોલીસે સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો. હોસ્પિટલ દ્વારા બાળક અને માતા બંનેનાં મોત થયાનું જાહેર કરાયા બાદ પોલીસે મહિલાના મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

અમને મળવા પણ દીધા નથી, ડૉકટરોની બેદરકારી છે, તપાસ થવી જોઇએ

પરિવારે હોબાળો મચાવતાં પોલીસે દોડી આવી પરિજનોને સમજાવ્યા હતા.

અમે જ પોલીસને બોલાવી'તી અને ઇચ્છીએ છીએ કે પેનલથી પીએમ થાય

ડૉ.મહેશ ગાંધીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 9-10 વાગે દર્દી જનરલ ચેકઅપ માટે આવેલું. એ વખતે તેમણે કહેલું કે બ્લડીંગ થયેલું છે. પરંતુ ચેકઅપમાં કાળા જેવું પ્રવાહી આવતું હતું. બાળક અંદર ફરતું ન હોઇ સોનોગ્રાફી કરી. જેમાં બાળક અંદર ખલાસ થઇ ગયું હતું. એટલે તેના સગાને વાત કરી કે સુવાવડ કરાવવી પડશે. સાંજના 5.39એ ડિલિવરી થઇ તેમાં બાળક મૃત્યુ પામેલું હતું. ત્યાર બાદ દર્દીની તબિયત લથડતાં અન્ય હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવા એમ્બ્યુલન્સ બોલાવી. પરંતુ એ દરમિયાન જ મોત થયું. અમે જ પોલીસને બોલાવી હતી અને ઇચ્છીએ છીએ કે પેનલથી પીએમ થાય. જેથી બધાને ખ્યાલ આવી શકે કે મોત કયા કારણથી થયું.

મારી બહેનને મળવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ અમને ડૉક્ટરો અને નર્સે અંદર જવા દીધા નહીં. જવાબ પણ ન આપ્યો. અંદર શું થયું તે કોઇને ખબર જ નથી. ડૉકટરોની બેદરકારી છે તો તપાસ થવી જોઇએ. તપાસથી ડૉકટરની બેદરકારી સામે આવશે. હરખીબેન ઠાકોર, મૃતકની બહેન

X
Visnagar News - latest visnagar news 041100
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી