Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેપારીને માથામાં હથોડી મારી આંખો ફોડનારને 3 વર્ષની કેદ
આંબલીયાસણગામે 10 વર્ષ પૂર્વે જ્યોતિ ઇલેકટ્રીક સ્ટોરના માલિક સાથે બોલાચાલી દરમિયાન માથામાં હથોડી મારી આંખનો પડદો તોડી નાખનાર ગામના વ્યક્તિને મહેસાણા કોર્ટે 3 વર્ષની કેદ અને રૂ 5500 દંડ ફટકાર્યો હતો.
આંબલીયાસણ ગામના સુરેશ બાબુભાઇ પટેલ ગામમાં જ્યોતિ ઇલેક્ટ્રોનીક્સ નામનો સ્ટોર ધરાવે છે. ગત 4 મે 2006માં તેઓ સ્ટોર પર બેઠા હતા તે સમયે અહી આવેલા ગામના જીતેન્દ્ર હરગોવિંદભાઇ પટેલે અહી આપેલી મોટરના રિપેરીગ બાબતે બોલાચાલી કરી હતી. જેમાં કામ સામે નાણા માંગનાર સુરેશભાઇ પટેલ પર જીતેન્દ્રએ ઉશ્કેરાઇ જઇ અહી કાઉન્ટર પર પડેલી હથોડી મારી ભાગ્યો હતો.ઉપરોકત બનાવમાં લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયેલા સુરેશભાઇની આંખોનો પડદો ફાટી ગયો હોવાનું તબીબે નિદાન કર્યુ હતું.
લાંઘણજ પોલીસ મથકમાં કલમ 223 અને 504 અંતર્ગત ગુનો નોધાયો હતો. જેમા તપાસ દરમિયાન તપાસનીસ અધિકારીએ કલમ 326નો ઉમેરો કરી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.ઉપરોકત કેસ મહેસાણા જ્યુડિશીયલ છઠ્ઠા જજ એમ.બી.પંડ્યાએ સરકારી વકીલ પિયુષભાઇ દવેની કરેલી દલિલોને ગ્રાહ્ય રાખી જીતેન્દ્ર પટેલને કસુરવાર ઠરાવી 3 વર્ષની કેદ અને રૂ 5500 દંડ ફટકાર્યો હતો.