એસટી બસસેવા બંધ રહેતાં ડિવિઝનને 45 લાખનો ફટકો
વરસાદીવાવાઝોડા વચ્ચે મહેસાણા તાલુકાના નવ ગામોમાં 23 પાકા અને કાચા મકાનો ધરાશાઇ થતા લોકો બેઘર બન્યા હતા. જ્યારે સુસવાટાભેર ફુંકાયેલા પવન વચ્ચે 10થી વધુ વીજ થાંભલા ધરાશાઇ થતાં તાલુકાના 30થી વધુ ગામોમાં અંધારપટ સર્જાયો હતો.
મહેસાણા સહિત તાલુકામાં અવિરત વરસાદને કારણે સામાન્ય જીવન ખોરવાયું છે. જેમાં તાલુકાના હેડુવા, હનુમંત, ખરવડા, ગોકળગઢ,રામપુરા કુકસ, છઠીયારડા, પાલજ, આંબલિયાસણ, દવાડા, મરેડા અને પાંચોટ ગામમાં 23થી વધુ કાચા-પાકા મકાનો ધરાશાઇ થયા હતા. જ્યારે 10થી વધુ વીજથાંભલા વાવાઝોડાને કારણે જમીનદોસ્ત થતાં આસપાસના 30થી વધુ ગામોમાં અંધારપટ સર્જાયો હતો. ઉપરાંત ધોધમાર વરસેલા વરસાદને કારણે મેઘાલિયાસણનું તળાવ ફાટી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગામની આસપાસના મકાનમાં રહેતા રહીશોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું છે ત્યારે ગામજનો રાત-દિવસ ભયના ઓથાર હેઠળ જોવા મળ્યા હતા. આજ રીતે તાલુકાના પાલજ ગામનું તળાવ પણ સોમવારે મોડી રાત્રે ઓવરફ્લો થઇને પાણી ગામમાં પ્રસરતાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્રએ ગ્રામજનો સુધી પહોંચી જરૂરી મદદ માટેની તજવીજ હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે રૂપેણ નદીના વહેણ નજીક રહેતા 26 કુટુંબોને સ્થળાંતર કરાવવાનો નિર્ણય કરાયો હતો. જેમાં ગામના સરપંચ અહેમદખાન પઠાણે 98 વ્યક્તિઓને ગામના 10 પાકા મકાનોનું સ્થળાંતર કરાવી જમવા સહિતની વ્યવસ્થા કરી હતી.
પિલુદરા અને દવાડા ગામ સંપર્ક વિહોણાં
મહેસાણાતાલુકાનું પિલુદરા અને દવાડા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. ગામમાં જવા-આવવાનો રસ્તો વરસાદી પાણીના વહેણમાં ધોવાઇ જતાં બન્ને ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વહીવટી તંત્રએ બંને ગામોમાં મદદ પહોંચાડવા દિવસભર કરેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
મેઘાલિયાસણ તળાવ ફાટ્યું, પાલજમાં ઓવરફ્લો