• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • રિક્ષા લઇને પહોંચેલી તોલમાપ વિભાગની ટીમે રૂ.100નો ગેસ ભરાવ્યો, આપ્યો રૂ.97.41નો

રિક્ષા લઇને પહોંચેલી તોલમાપ વિભાગની ટીમે રૂ.100નો ગેસ ભરાવ્યો, આપ્યો રૂ.97.41નો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનજીકના હેડુવા રાજગર સ્થિત સાબરમતી સીએનજી ગેસ પંપ પર ઓછો ગેસ અપાતો હોવાની મળેલી ફરિયાદને પગલે શનિવારે સવારે જિલ્લા તોલમાપ અધિકારી અને ટીમ રિક્ષામાં મુસાફર બની ગેસ ભરાવવા પંપે પહોંચી હતી. જ્યાં પંપના કર્મચારીએ લીધેલા નાણાં સામે ગેસ ઓછો આપ્યાનું જણાતાં ટીમે હાથ ધરેલી તપાસમાં રૂ.100ના ગેસમાં 50 ગ્રામ ઓછું અપાતું હોવાનું જણાયું હતું. આથી ટીમે પંપની નોઝલ સીલ કરાઇ હતી.

પાલાવાસણાથી બહુચરાજી જતા રોડ પર હેડુવા રાજગર નજીક આવેલા સાબરમતી સીએનજી ગેસ સ્ટેશન પર શનિવારે સવારે 10 કલાકે જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડની સૂચનાથી વિભાગના નિરીક્ષકો બી.ડી. ચૌહાણ, જે.કે. ઠાકોર અને કે.એન. નાગર અેક રિક્ષામાં મુસાફર બનીને સીએનજી પંપ પર ગયા હતા. જ્યાં રિક્ષાચાલકે રૂ.100નો ગેસ ભરાવ્યો, પણ પંપના મીટર ઉપર રૂ.97.41 દર્શાવાયા હતા. તેમજ પંપના કર્મચારીએ ગેસ ભરાઇ ગયો એવું કહેતાં ચેકીંગમાં આવેલા અધિકારીઓએ રિક્ષાને બાજુમાં કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દિવસભર ચાલેલી તપાસમાં રૂ.100ના ગેસમાં 50 ગ્રામ ઓછું અપાતું હોવાનું જણાયું હતું. ચૂકવેલા નાણાંની સામે ગેસનો જથ્થો ઓછો મળતાં હોવાનું જણાતાં જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડે ગેસ કંપની વિરુદ્ધ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ 2009ની કલમ 12/30ના ભંગ બદલ સીએનજી પંપની નોઝલ સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

50 ગ્રામ ઓછો ગેસ અાપતાં સાબરમતી સીએનજી ગેસ પંપની નોઝલ સીલ