તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં વ્યાજ માગી મકાનને તાળાં મારી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનામોઢેરા રોડ પર રહેતા એક શખસે બે વર્ષ પૂર્વે વ્યાજે આપેલા રૂ.5 લાખની સામે રૂ.30 લાખ વસૂલ્યા બાદ પણ રૂ.28 લાખની માગણી કરી ધમકીઓ આપી ઘરને તાળાં લગાવી દીધાં હોઈ પતિ ઘર છોડીને જતા રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાએ વ્યાજખોર શખસ વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર પ્રસરી છે.

ધનપુરા (કટોસણ)નાં વતની અને મોઢેરા રોડ પર સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા પટેલ કનુભાઈ ચુનીલાલનાં પત્ની અલકાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, કનુભાઈએ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા રબારી લાલભાઈ ગણેશભાઈ પાસેથી બે વર્ષ પૂર્વે રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજ પેટે અત્યાર સુધી રૂ.30 લાખ ચૂકવ્યા છે છતાં વધુ રૂ.28 લાખ લેવાના છે તેમ કહીંને લાલભાઈએ 24મી ઓક્ટોબરે તેમને ધમકી આપતાં તેઓ ઘરને તાળું મારીને વતન ધનપુરા જતાં રહ્યાં હતાં. સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા તેમના દિયર પ્રવિણભાઈ ધનતેરસે ધનપુરા આવ્યા હતા ત્યારે લાલભાઈએ તેમના ઘરના દરવાજાને સાંકળથી તથા ઝાંપાને પણ તાળું મારી દીધું હોવાનું જણાવ્યું હતું. તે દિવસે કનુભાઈ પણ ક્યાંક જતા રહ્યા છે.

દિવાળીના ત્રણેક દિવસ બાદ લાલભાઈ ધનપુરા આવ્યા હતા અને વ્યાજ સાથેના રૂ.28 લાખ નહીં આપો ત્યાં સુધી ઘરનાં તાળાં નહીં ખુલે વેગેરે કહીંને જતા રહ્યા હતા. અલકાબેનની પુત્રીઓનાં પુસ્તકો ઘરમાં પડ્યાં હોઈ 17 નવેમ્બરે પુત્રી રોશની તથા પ્રવિણભાઈ લાલભાઈ પાસે ગયાં હતાં પરંતુ ઘર નહોતું ખોલી આપ્યું. જેથી પુત્રીઓને અન્ય શહેરમાં અભ્યાસ માટે મૂકી છે. લાલભાઈની ધમકીના કારણે પતિ આજ સુધી ઘરે આવ્યા નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...