Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસામાંથી બનાવટી ઘી ની ફેકટરી ઝડપાઇ
ડીસાદક્ષિણ પોલીસે મળેલી બાતમીના આધારે રવિવારે વહેલી સવારે લાટી બજાર વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઘીની ફેકટરી ઝડપી લીધી હતી. જ્યાંથી બ્રાન્ડેડ ઘીના લેબલ વાળા ડબ્બા સહિતના મુદ્દામાલ કબજે કરી ફેકટરી સીલ કરી હતી. બાદમાં બનાસડેરી, દૂધ સાગર ડેરી અને એફએસએલ તથા ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા નમુનાની તપાસ હાથ ધરાઇ હતી.
ડીસા શહેર નકલી ચીજ વસ્તુઓ બનાવવાની હબ બની ગયું છે. જ્યાં અગાઉ પણ નકલી તેલ અને ઘી બનાવવાની ફેકટરીઓ ઝડપાઇ છે. ત્યારે શહેરના લાટી બજાર વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેકટરી ધમધમતી હોવાની બાતમીના આધારે નાયબ પોલીસ અધિકારી એસ.સી.દવેના માર્ગદર્શન હેઠળ દક્ષિણ પીઆઇ ડી.ડી.ગોહિલ તથા પીએસઆઇ કે.ડી.ડેકલિયા તેમની ટીમે રવિવારે વહેલી સવારે તપાસ હાથ ધરી હતી. જેમાં ઘી બનાવતી ફેકટરીમાંથી અમુલ, સાગર અને નોવા જેવા બ્રાન્ડેડના શંકાસ્પદ ડબ્બા મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ અર્થે કબજે લઇ ફેકટરી સીલ કરી હતી.
બાદમાં બનાસડેરી, મહેસાણાની દૂઘસાગર ડેરી તેમજ એફએસએલ અને ડ્રગ્સ વિભાગની ટીમો બોલાવી ઘી ના નમુનાઓની તપાસ હાથ ધરી હતી. જોકે સમગ્ર દિવસ દરમિયાન શંકાસ્પદ ઘી ની તપાસ ચાલુ રહી હતી. પરંતુ મોડી સાંજ સુધી અંગે કોઇ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે ઘી કેવી રીતે બનાવામાં આવતું હતું અને તેનું વેચાણ કયાં કયાં થતું હતું. તેમજ નામાંકિત ડેરીઓના બ્રાન્ડનો કેવી રીતે ઉપયોગ થતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લાટીબજારમાંથી પોલીસે રવિવારે સવારે ફેકટરીમાં છાપો મારી શંકાસ્પદ ધીનો જથ્થો ઝડપી લેતાં ચકચાર મચી ગઈ છે.