વાઘાણી અને પાટીદારો વચ્ચે આજે મહેસાણામાં ટક્કર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપપ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પોતાના ભરચક કાર્યક્રમો સાથે સોમવારે મહેસાણામાં આવી રહ્યા છે ત્યારે પાટીદારો પણ મોડી રાતે બેઠકા કરી અશ્ચર્યજનક વિરોધ કરવા સજ્જ થયા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા બાદ પ્રથમ વખત મહેસાણામાં આવી રહેલી જીતુ વાઘાણી 2017ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનને મજબૂત કરવા અંગે કાર્યકરો સાથે ચર્ચા કરશે. જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ પ્રદેશ અધ્યક્ષ સવારે 10 વાગ્યે પિલાજી ગંજમાં જિલ્લા કાર્યાલયે આવશે, જ્યાં પ્રદેશ, જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, બોર્ડ નિગમોના ચેરમેનો વગેરે સાથે 1-30 વાગ્યા સુધી બેઠક કરશે. જ્યારે બપોરે 3થી 5 વાગ્યા સુધી હાઈવે પર દૂધસાગર ડેરીના હોલમાં કાર્યકર સંમેલન થશે. જેમાં જિલ્લા કારોબારી, દરેક શહેરના પ્રમુખ-મહામંત્રી, જિ.પં., તા.પં., નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ ચૂંટણી લડેલા કાર્યકરો સહિત હાજર રહેશે. 5 વાગ્યા બાદ આઈટી સેલના હોદ્દેદારો સાથે બેઠક કરાશે. જે પૂરી થયા બાદ સરકીટ હાઉસમાં વ્યક્તિગત મુલાકાતીઓની મુલાકાત ગોઠવાઈ છે.

બીજી તરફ પાટીદારો દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવાનો કાર્યક્રમ ઘડાયો છે. પાસના નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિરોધ 100 ટકા કરીશું, થાળી-વેલણ ખખડાવીને, કાળા વાવટા ફરકાવીને, કાળી પટ્ટી ધારણ કરીને કે અન્ય કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે કઈ રીતે કરવો તે જાહેર નથી કરવું પરંતુ અમારો વિરોધ નોંધપાત્ર હશે.

મહેસાણા શહેરમાં રવિવારે રાત્રે નવેક વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.તસવીર -ભાસ્કર

છેલ્લી ઘડીએ બાઈકરેલી મોકૂફ રખાતાં તર્ક-વિતર્ક

પ્રદેશઅધ્યક્ષ તરીકે પ્રથમવાર મહેસાણા આવી રહેલા જીતુ વાઘાણીનું સ્વાગત કરવા ભાજપ દ્વારા સવારે 8-30 વાગ્યે રેલીનું આયોજન કરાયું હતું. જો કે, છેલ્લી ઘડીએ બાઈક રેલી મોકૂફ રાખવામાં આવી છે. જીતુભાઈ સવારે ગાંધીનગર અગત્યની મિટીંગમાં જવાના હોવાથી મહેસાણા મોડા 10 વાગ્યે આવવાના છે એટલે અન્ય કાર્યક્રમો યથાવત રાખી બાઈક રેલી મોકૂફ રખાઈ હોવાનું શહેર ભાજપ પ્રમુખ કૌશિક વ્યાસે જણાવ્યું હતું. પરંતુ પાટીદારોના વિરોધના પગલે રેલી મોકૂફ રખાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સવારે 8-30 વાગ્યાની ભાજપની બાઈકરેલી મોકૂફ : 2017ની ચૂંટણીને લઈને કાર્યકરો સાથે બેઠક : અમારો વિરોધ આશ્ચર્યજનક હશે : પાસ

અન્ય સમાચારો પણ છે...