મહેસાણા-1માં ખુલ્લી દુકાનો કોંગ્રેસીઓએ બંધ કરાવી

Mehsana - મહેસાણા-1માં ખુલ્લી દુકાનો કોંગ્રેસીઓએ બંધ કરાવી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:10 AM IST
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇ કોંગ્રેસે આપેલા બંધના એલાનને પગલે મહેસાણા-1માં સવારે ખુલેલી દુકાનોને કોંગ્રેસી આગેવાનોએ બંધ કરાવી કરાવી હતી. તો રાધનપુર અને મોઢેરા રોડ વિસ્તારની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. દુકાનો બંધ કરવાના મુદ્દે કેટલાક વેપારી અને કોંગી આગેવાનો વચ્ચે શાબ્દીક ઘર્ષણ પણ થયું હતું. પોલીસે બંધ કરાવવા નીકળેલા 12 આગેવાનોની અટકાયત કરી હતી. જિલ્લામાં કુલ 56ની અટકાયત કરાઇ હતી. જેમાં મહેસાણામાં 12, વિસનગરમાં 16, કડીમાં 15, વિજાપુરમાં 11 અને ખેરાલુમાં 2નો સમાવેશ થાય છે. એકંદરે જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.

સોમવારે સવારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ઝાલા, રભૌતિક ભટ્ટ, પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, નગરસેવક જયદિપસિંહ ડાભી સહિત આગેવાનોએ રંજનના ઢાળથી ખુલી ગયેલી દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરી હતી. તોરણવાળી ચોક અને મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરમાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરવા અંગે શાબ્દીક રોષ ઠાલવ્યો હતો. આઝાદચોકમાં મહેશ્વરી મેટલના માલિકે ગ્રાહક ખરીદી કરે છે તો દુકાન બંધ કેવી રીતે કરવી તેવો સવાલ કર્યો હતો. સ્ટેશન રોડ, રાજમહેલ રોડ, નવો ફૂવારો, મુલ્કીભવન, પિલાજી ગંજ, બીકે રોડ સહિતના બજારો બંધ જોવા મળ્યા હતા. જોકે, પાટીદારના ગઢ એવા રાધનપુર અને મોઢેરા રોડ પરની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. કોંગીઓએ પણ અહીં દુકાનો બંધ કરાવવાનું ટાળ્યું હતું. રેન્જ આઇજી મયંક ચાવડાએ પણ મહેસાણામાં કેમ્પ કર્યો હતો.

કલેક્ટર, જિલ્લા પંચાયત, મામલતદાર, આરટીઓ સહિત સરકારી કચેરીમાં અરજદારો ઓછા આવ્યા હતા. કોર્ટમાં બોર્ડ પર કેસો યથાવત રાખવા ઠરાવ કરાયો હતો.

નાગલપુર કોલેજ પાસેથી નગરપાલિકા પ્રમુખ અને 4 મહિલાઓની અટકાયત

નાગલપુર કોલેજ બંધ કરાવવા પહોંચેલા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને પોલીસે અટકમાં લીધા હતા. -ભાસ્કર

ઉત્તર ગુજરાતમાં બંધની કેવી રહી અસર

પાટણ સજ્જડ બંધ, સિદ્ધપુરમાં મિશ્ર જિલ્લામાં 140 કાર્યકરોની અટકાયત

પાટણ એસટી ડેપો દ્વારા 100 ટ્રીપો રદ

પાલનપુરમાં વેપારીઓ સાથે તું-તું મેં-મેં

ડીસામાં શાળા, કોલેજો બંધ કરાવાઇ

દાંતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ટાયરો બાળી રસ્તો બ્લોક કરી દીધો

થરા,ધાનેરા અને લાખણી સજ્જડ બંધ

હિંમતનગરમાં 53 સહિત સાબરકાંઠામાં 180, અરવલ્લીમાં 50ને ડીટેઇન કરાયા

ભિલોડામાં ટાયરો સળગાવ્યા, બસની હવા પણ કાઢી નાખી

બાયડમાં બજાર સજ્જડ બંધ રહ્યાં

ઇડર-ખેડબ્રહ્મામાં બંધને મિશ્ર પ્રતિસાદ

મહેસાણા શહેરમાં બપોરે 11.35 વાગ્યે દુકાનો બંધ કરાવતાં હાઇવે પર નાગલપુર કોલેજ પહોંચેલા આગેવાનોની અટકાયતનો તખ્તો ઘડાતાં મોટાભાગના સરકી ગયા હતા. જ્યારે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને 4 મહિલાઓની અહીંથી અટકાયત કરી હતી. બે કલાક સુધી પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ચાલેલા પકડદાવ દરમિયાન જિલ્લા પ્રમુખ સહિતની જેલરોડ પરથી અટકાયત કરી એલસીબીમાં લઇ જવાયા હતા. બાદમાં તમામને મુક્ત કરાયા હતા. દુકાનો બંધ કરાવવા નીકળેલાઓમાં પાટીદાર નગરસેવકો અને આગેવાનો માત્ર મોઢું દેખાડીને ચાલતી પકડી હતી.

બંધની અસર | એસટીએ 10 લાખ આવક ગુમાવી

એસટીની 1200 ટ્રીપો રદ કરાતાં ગ્રામીણ મુસાફરો અટવાઇ પડ્યા

વિસનગર, બહુચરાજી, પાટણ, કલોલ રૂટ થોડા કલાકો માટે બંધ કરાયા

મહેસાણા: અેસટીમાં તોડફોડની આશંકાને પગલે મહેસાણા વિભાગમાં એસટીની 1200 ટ્રીપો રદ કરાઇ હતી. જેના કારણે ગામડાના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી હતી. બંધના કારણે એસટી તંત્રએે રૂ.10 લાખની આવક ગુમાવી હતી. મહેસાણા બસ સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે વિસનગર તરફ બસનો રૂટ બંધ કરાયો હતો. જે બપોર સુધી બંધ રહેતાં વિસનગર તરફ જતા મુસાફરો અટવાયા હતા. કલોલ, બહુચરાજી, પાટણથી મહેસાણા રૂટમાં ડેપોએથી એક કલાકથી વધુ સમય બસો દોડાવવાનું બંધ રખાતાં મુસાફરો ફાંફે ચડ્યા હતા.

મોટાભાગની ખાનગી સ્કૂલો બંધ રહી, સરકારી સ્કૂલોમાં છાત્રોની પાંખી હાજરી

મહેસાણા : બંધના એલાનમાં મહેસાણા શહેરમાં 90 ટકા ખાનગી સ્કૂલોમાં શિક્ષણકાર્ય ઠપ રહ્યું હતું. સરકારી સ્કૂલોમાં બાળકોની પાંખી હાજરી રહી હતી. સાર્વજનિક, કર્વે, ન્યુ પ્રોગ્રેસીવ, ટીજે, અર્બન સ્કૂલમાં સવારે અડધા શિક્ષણકાર્ય બાદ સ્કૂલ છોડી મૂકાઇ હતી. તક્ષશીલા, તપોવન સહિત ખાનગી સ્કૂલોએ વાલીઓને આગલી રાતે જ મેસેજથી બંધ હોવાની જાણકારી આપી દીધી હતી. નાગલપુર કોલેજમાં સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા હોઇ ત્યાં બંધ કરાવવા આવેલા કાર્યકરો પાછા ગયા હતા.

X
Mehsana - મહેસાણા-1માં ખુલ્લી દુકાનો કોંગ્રેસીઓએ બંધ કરાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી