તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંમેલનમાં 15 હજાર લોકો આવવાની ગણતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાકાંડની વરસીઅે મહેસાણામાં કાલે મોરચો | રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું આક્રમક વલણ, તંત્ર દોડતું થયું

મંજૂર રદનો હુકમ ગેરબંધારણીય હોઇ મૂળ અરજી ગ્રાહ્ય રાખવા મામલતદારને પુન: અરજી કરાઇ

મંજૂરી નહીં આપો તોય દલિત સંમેલન યોજાશે

મહેસાણામાં12મીને બુધવારે યોજાનાર દલિત શક્તિ સંમેલન અને મહેસાણાથી થરાદ સુધીની આઝાદી કૂચને પરવાનગી અપાયા પછી તંત્ર દ્વારા એકાએક રદ કરી દેવાતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ પરવાનગી રદના હુકમને ગેરબંધારણીય લેખાવી સોમવારે અધિક નિવાસી કલેકટર સમક્ષ મૂળ અરજી ગ્રાહ્ય રાખી સંમેલન અને આઝાદી કૂચને પરવાનગી આપવા હાઇકોર્ટના કેટલાક ચુકાદાની નકલ સાથે માંગણી કરી હતી અને મંજૂરી નહીં આપો તો પણ કાર્યક્રમ તો થશે તેમ જણાવ્યું હતું. જેને લઇ મામલતદાર, પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સાંજે પણ મંચના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જોકે, સંમેલનની પરવાનગી આપવા અંગે કોઇ નિર્ણય લેવાયો નહોતો. બીજી તરફ સંમેલનની તૈયારીમાં કાર્યકરો કામે લાગ્યા છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર કૌશિક પરમાર, વિનોદભાઇ, સુબોદભાઇ, કપીલભાઇ પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સોમવારે અધિક નિવાસી કલેકટર રમેશ મેરજાને દલિત શક્તિ સંમેલન અને કૂચને પોલીસ પરવાનગી રદ કરાઇ છે તે કાયદા વિરુદ્ધ હોવાનું જણાવી હાઇકોર્ટના ચુકાદાની નકલ સાથે આવેદનપત્ર અપાયું હતું. હોદ્દેદારોએ જણાવ્યું કે, પરવાનગી માટેની મૂળ અરજી ગ્રાહ્ય રાખો, નવી અરજી નહીં, રદ કરતો ઓર્ડર ગેરકાયદે હોઇ રદ કરો, પરમિશન નહીં આપો તો પણ સંમેલન, પદયાત્રાનો કાર્યક્રમ યથાવત રહેશે.

મંચના હોદ્દેદારોએ મામલતદાર પ્રકાશભાઇ પ્રજાપતિને મંજૂરી અંગે પુન: વિચારણા કરવા અરજી અાપી હતી. સાંજે જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિક સાથે બેઠક યોજાઇ હતી. મંચના સહકન્વીનર કૌશિક પરમારે કહ્યું કે, પોલીસ હાલની સ્થિતિ દેખતા મંજૂરી આપી શકાય તેમ નથી તેવું જણાવી રહી છે. ઉનાકાંડ મામલે અનેકવખત રજૂઆતો, ધરણાં કર્યા પણ ન્યાય નહીં મળતાં નાછૂટકે લોકશાહી ઢબે કાર્યક્રમ અપાયો છે. મંજૂરી મળે કે મળે સંમેલન, પદયાત્રા થશે અને જીજ્ઞેશ મેવાણીએ સંમેલન યોજવા મક્કમતા દર્શાવી છે.

દલિત અધિકાર મંચના કાર્યકરો રજૂઆત માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

અાગેવાનો હાજર રહેશે |વિશાળ જનમેદનીને સંબોધવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જીજ્ઞેશ મેવાણી, ખેડૂત અગ્રણી સાગર દેસાઇ, પાટીદાર અગ્રણી રેશ્મા પટેલ, જેએનયુની પૂર્વ પ્રમુખ સહેલા રસીદ, મુસ્લિમ સમાજના અગ્રણી એડવોકેટ સમસાદ પઠાણ, પંજાબથી ગુરૂમુખસિંઘ તથા દિલ્હીથી નયન જ્યોતી સહિત અગ્રણીઓ ઉપરાંત ઉના પીડિત બાલુભાઇ સરવૈયા અને થાનગઢથી વાઘજીભાઇ ઉપસ્થિત રહેશે.

શહેરના સોમનાથ ચોકમાં બુધવારે સવારે 9-30 કલાકે યોજાનાર દલિત શક્તિ સંમેલનમાં મહેસાણા જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાંથી 12 થી 15 હજાર લોકો જોડાશે. સંમેલનમાં અવ્યવસ્થા સર્જાય તે માટે 5 વિસ્તારના ઇન્ચાર્જ હેઠળ 100 સ્વયંસેવકોને બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક અને પીવાના પાણીની વ્યવસ્થા સોંપાઇ છે. સભા સ્થળની નજીક હિરાનગર ચોક, ડૉ.આંબેડકર પુલ નીચે અને સમર્પણ ચોકમાં પાર્કિંગ વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...