રાજ્યના દિવ્યાંગોની પડતર માંગણીઓ નહીં ઉકેલાતાં દિવ્યાંગે ઉમેદવારી કરી
મહેસાણા લોકસભા બેઠક માટે અત્યાર સુધી કોંગ્રેસ સહિત કુલ 16 ફોર્મ અને ઊંઝા વિધાનસભા બેઠક માટે કુલ 6 ફોર્મ ભરાયા છે. બીજી બાજુ રાજ્યના દિવ્યાંગોની પડતર માંગણીઓ આજદિન સુધી નહીં સ્વીકારાતાં મહેસાણાના એક દિવ્યાંગે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન, ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોઇ લોકસભા અને વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવશે.
ગુરૂવારે બપોરે 3 વાગ્યા સુધીમાં મહેસાણા લોકસભા બેઠક માટે કુલ 12 ફોર્મ રજુ કરાયા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ, બીએસપીના ઉમેદવાર પ્રહલાદભાઇ ચૌહાણ અને 10 અપક્ષમાં ફોર્મ ભરાયા હતા. આ સાથે લોકસભા બેઠક માટે કુલ 16 ફોર્મ રજૂ કરાયા છે. લોકસભા બેઠક માટે દિવ્યાંગ ઉમેદવાર કનુભાઇ એ.પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવતાં કહ્યું હતુ કે, રાજ્યના તમામ દિવ્યાંગો લાંબા સમયથી સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ રજુ કરતાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી સરકારે એકપણ માંગણી સ્વીકારી નથી. જેને લઇ લોકસભાની ઉમેદવારી નોંધાવી છે. મારા પ્રચારમાં રાજ્યના 25 હજાર જેટલા દિવ્યાંગો મહેસાણા આવશે અને પ્રચારમાં મારી સાથે જોડાશે. બીજી બાજુ ઊંઝા બેઠક માટે બુધવારે વધુ 4 ફોર્મ રજૂ કરાતાં અત્યાર સુધીમાં કુલ 6 ફોર્મ રજુ કરાયા છે. ગુરૂવારે ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે.