તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગ્રહણ: બહુચરાજી અને પાલોદરનો લોકમેળો રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સાવચેતીનાં પગલાંરૂપે 6થી 8 એપ્રિલ દરમિયાન બહુચરાજીમાં યોજાનારો ચૈત્રી પૂનમનો લોકમેળો તેમજ 20-21 માર્ચે યોજાનાર મહેસાણા પાસેના પાલોદરનો જોગણી માતાનો મેળો બંધ કરાયો છે. પરંતુ લોકો દર્શન કરવા આવી શકશે.

જિલ્લા કલેકટર એચ.કે. પટેલે જણાવ્યું કે, મેળામાં ખાણી-પીણીના સ્ટોલ, ચકડોળ-ચકરડી સહિતના મનોરંજક સાધનો વગેરેની વ્યવસ્થા ઉભી કરાશે નહીં. આ માટે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપી છે. જ્યારે બહુચર માતાજીના મંદિરમાં હેન્ડ સેનેટાઇઝર વગેરેની પર્યાપ્ત વ્યવસ્થા કરાશે. મેળાનું સ્વરૂપ ન આપી વિધિવિધાન મુજબ માતાજીની પૂજા-અર્ચના કરાશે. પાલોદરમાં પણ મેળો ન કરવા અપીલ કરાઇ છે. ભક્તોને અપીલ કે ઘરે બેસીને માતાજીની પ્રાર્થના કરી આવવાનું ટાળે તો મેળાનું સ્વરૂપ નહીં થાય અને ખતરો અટકાવી શકાય.પેનિક કે ડરની જરૂર નથી, સાવચેતી જરૂરી છે. ખાસ કરીને દરેકે માસ્કની જરૂર નથી. માસ્કનો બાયોમેડિકલ વેસ્ટ પદ્ધતિથી નિકાલ કરવો જરૂરી છે. જેમને ખાંસી, ઉધરસ કે નબળાઇ લાગે તેમણે આરોગ્ય તપાસ કરાવી લેવી જોઇએ. તેને દબાવી કે છુપાવી રાખવાની જરૂર નથી. ડીડીઓ એમ. વાય. દક્ષિણીએ કહ્યું કે, બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચને મેળો બંધ રાખવા સૂચના અપાઇ છે.

પાલોદરનાં સરપંચ સવિતાબેન પટેલે જણાવ્યું કે, પાલોદર ગામમાં 20 અને 21મીએ ચોસઠ જોગણી માતાજીનો મેળો હાલમાં કોરોના વાયરસના સાવચેતીના પગલાંરૂપે રદ કરાયો છે. ફક્ત દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. તમામ પ્રકારની મેળાની દુકાનો અને ચકડોળ પર પ્રતિબંધ મૂકાયો છે અને તે અંગે ગામમાં બેનરો પણ લગાવાયા છે. જ્યારે કુકસ ગામમાં સરકારની સુચના મુજબ 26 માર્ચે રામદેવ પીરના મંદિરે ભરાનારા મેળામાં એકસાથે શ્રદ્ધાળુઓને એકત્ર થવા ઉપર મંદિર કમિટી દ્વારા પ્રતિબંધ મુકાયો છે.

મહેસાણા જિ.માં એકપણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નથી, 118 ઓબ્ઝર્વેશન હેઠળ

પ્રેસમિટમાં કલેકટર એચ.કે. પટેલે કહ્યું કે, જિલ્લામાં એકપણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નથી. હાલ સ્ટેજ-2માં જિલ્લો સલામત છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ટી.કે. સોનીએ કહ્યું કે,ચાઇનાથી 71, દુબઇ, સાઉદીથી 81, ઓસ્ટ્રેલિયા,મલેશિયા, સીંગાપોર, જાપાન, અમેરિકા સહિતના 21 દેશોમાંથી અત્યાર સુધી જિલ્લામાં આવેલા 300 પેસેન્જરોની 14 દિવસ આરોગ્ય ચકાસણી કરાઇ છે. જે પૈકી 180નું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયું છે, હાલમાં 118 પેસેન્જર ઓબ્ઝર્વેશન હેઠળ છે. ફેબ્રુઆરીમાં એક શંકાસ્પદ કેસ હતો, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડીડીઓ એમ.વાય. દક્ષિણીએ કહ્યું કે,વૃદ્ધાશ્રમોમાં અશક્તોનું ચેકઅપ કરાશે. જાહેરમાં થૂંકનાર 16 પાસેથી રૂ.1700 દંડ વસુલાયો હતો.

લોકો દર્શન કરવા આવી શકશે, પણ ખાણી-પીણીના સ્ટોલ કે ચકડોળ-ચકરડી સહિતને મંજૂરી નહીં અપાય: કલેક્ટર

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સાવચેતીના ભાગરૂપે ધાર્મિક મેળાવડાનું સરકારી આયોજન નહીં કરાય

મહેસાણા | તાલુકાના હિંગળાજપુરા ગામમાં સરપંચ સરપંચ રોહિતભાઇ પટેલે કોરોના વાયરસમાં સાવચેતીના ભાગરૂપે જાહેર નોટિસથી બહારથી ગામમાં આવનારને શરદી, ઉધરસ જેવી તકલીફ હોય તો તેની સરકારી સિવિલમાં તપાસ કરાવ્યા બાદ જ ગામમાં પ્રવેશ કરવાનો રહેશે, અન્યથા પંચાયત હદમાં ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખી 31 માર્ચ સુધી પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે. તદઉપરાંત, ગામમાં ગલ્લા, દુકાન આગળ સ્વચ્છતા રાખી લોકોના સ્વાસ્થ્યને નુકસાનકર્તા ઠંડાપીણાંનું વેચાણ સદંતર બંધ કરવાનું રહેશે. જાહેરમાં થૂંકી ગંદકી કરવી નહીં. જેના ભંગ બદલ રૂ.500 દંડ કરાશે.


શંખેશ્વર દેરાસરમાં હાથ ધોઈ મુહકોષ બાંધ્યા બાદ પ્રવેશ, એકસાથે 4 જ પૂજા કરી શકશે

જિલ્લામાં આઇસોલેશન વોર્ડમાં કુલ 36 બેડ

આઇસોલેશન વોર્ડમાં કુલ 36 બેડ તૈયાર છે. મહેસાણા સિવિલમાં 15, વડનગર મેડિકલ હોસ્પિટલમાં 15, ખાનગી હોસ્પિટલ શંકુઝ મેડિસિટીમાં 4 અને ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ વિસનગરમાં 2 બેડ બનાવાયા છે.

ત્રણ જિલ્લા માટે મહેસાણામાં ક્વોરેન્ટાઇન સુવિધા

મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના શંકાસ્પદને સારવારમાં કવોરેન્ટાઇન રાખવા મહેસાણાને નોડલની કામગીરી અપાઇ છે. મહેસાણા બરોડા રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટની જગ્યાએ 50 બેડની સુવિધા તૈયાર કરાઇ છે.

તાલુકો વ્યક્તિ

મહેસાણા 42

વિસનગર 18

વિજાપુર 16

કડી 20

ઊંઝા 09

ખેરાલુ 09

જોટાણા 03

વડનગર 01

કુલ 118

વિદેશથી આવેલા ઓબ્ઝર્વેશનમાં

ગુણભાંખરીમાં ચિત્ર વિચિત્રનો મેળો રદ કરાયો

ખેડબ્રહ્મા | તાલુકાના ગુણભાંખરી ખાતે યોજાનાર અાદિવાસી સમાજના સૌથી મોટા ચિત્ર-વિચિત્ર પ્રાચીન લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મેળાના અાયોજનો રદ કરાયાં છે, માત્ર ધાર્મિકવિધિ ચાલુ રહેશે.

લોટેશ્વરમાં આજથી શરૂ થતો ધુણિયો મેળો બંધ

શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે લોહેશ્વર મહાદેવના મંદિરે ગુરુવારથી અમાસ સુધી ધુણિયો મેળો ભરાનાર હતો. પરંતુ હાલ કોરોના વાઈરસના પગલે આ મેળો બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીમંડળ દ્વારા લેવાયો છે.

શંખેશ્વર | કોરોના વાયરસના સાવચેતીનાં પગલાંરૂપે જૈનતીર્થ શંખેશ્વર ખાતે બહારથી પૂજા દર્શનાર્થે આવતા યાત્રિકોને દેરાસરના મેન દરવાજાઓ ઉપર ચોકીદાર દ્વારા સેનેટાઇઝરથી હાથ ધોઈ દર્શન પૂજા કરવા પ્રવેશ ચાલુ કરાયો છે. જિનાલયમાં ફરજિયાત મુહકોષ (મોઢા ઉપર રૂમાલ) બાંધવાનો તેમજ દેરાસરના રંગમંડપમાં 10થી વધારે યાત્રિકોને બેસવાનું નહીં અને ગર્ભગૃહમાં 4 થી વધુ યાત્રિકો પૂજામાં નહીં જોડાવાનું જી.ગો.પેઢી દ્વારા નિર્ણય લેવાયો છે. તેમજ પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ખાતે જૈનાચાર્ય શ્રીમદ વિજય લેખેન્દ્રસુરીશ્વરજી મહારાજાના જન્મોત્સવ પ્રસંગે 21મીનો સાંઈરામ દવેનો ડાયરો મોકૂફ રખાયો છે.
અન્ય સમાચારો પણ છે...