મહેસાણામાં ટીપી-4ને 12 વર્ષે પ્રાથમિક મંજૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શહેરી વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમો તેમજ ડેવલપમેન્ટ પ્લાન પેન્ડિંગ નહીં રાખવાના અભિગમ સાથે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાયેલી ટીપી સ્કીમોમાં મહેસાણા શહેરમાં 12 વર્ષથી અટવાયેલી ટીપી સ્કીમ-4ને પ્રિલિમનરી મંજૂરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત વિજાપુર શહેરના ડેવલપમેન્ટ પ્લાનને પણ મંજૂરી અપાઇ છે. હવે તેનાં જાહેરનામાં બહાર પડશે અને તે મુજબ વિસ્તાર વિકાસની અમલવારીના દ્વાર ખુલશે. જોકે, બહુચરાજીના ડેવપમેન્ટ પ્લાનની દરખાસ્ત હજુ શહેરી વિકાસ વિભાગમાં પેન્ડિંગ છે. બીજી તરફ ટીપીમાં સૌથી આગળ રહેલા ઊંઝા શહેરમાં ટીપી 10 અને 11ની વિચારણા ચાલી રહી છે.

નગરપાલિકાના સુમાહિતગાર સૂત્રોએ કહ્યું કે, મહેસાણા શહેરમાં શોભાસણ રોડથી કુકસ રોડ વચ્ચે 98 હેક્ટર વિસ્તારને આવરી લેતી ટીપી સ્કીમ નં.4 મુસદ્દા યોજના (ડ્રાફ્ટ) વર્ષ 2008માં મંજૂર થઇ હતી, જેના 12 વર્ષ પછી રાજ્યના શહેરી વિકાસ વિભાગથી પ્રિલિમનરી મંજૂરી મળી છે. અત્યાર સુધીમાં આ ટીપી-4માં રસ્તા ખુલ્લા કરી રોડ તૈયાર કરાયા છે. જોકે, પ્રિલિમનરી મંજૂરી વગર 85 ખેડૂતોને ફાઇનલ પ્લોટનો કબજો ન મળી શકે તેમજ પાલિકાને જે-તે હેતુના વિકાસ માટે મળેલા રિઝર્વ પ્લોટનો ઉપયોગ ન થઇ શકે. હવે સ્કીમને પ્રિલિમનરી મંજૂરી મળતાં તેનું જાહેરનામુ આવ્યે નગરપાલિકા કુલ 107 પ્લોટ પૈકી ખેડૂત ખાતેદારોને 85 પ્લોટના કબજા સોંપણીની પ્રક્રિયા કરશે. તેમજ પાલિકાને બગીચા, રહેણાંક, કોમર્શિયલ સહિત વિવિધ હેતુ માટે મળેલા 23 રિઝર્વ પ્લોટ ડેવલપ કરવામાં આવશે.

ચીફ ઓફિસર જીગર પટેલે કહ્યું કે, ટીપી-4માં નોટીફિકેશન આવ્યા પછી રિઝર્વ પ્લોટને ફેન્સિંગ કરી ડેવલપ કરાશે. જે-તે ફાઇનલ પ્લોટનો કબજો ખેડૂતોને સોંપવાની પ્રક્રિયા કરાશે. કુલ 14282 ચોરસ મીટરમાં 23 રિઝર્વ પ્લોટ રખાયાં છે. જેમાં સામાજિક-આર્થિક નબળા વર્ગના આવાસ માટે 3, રહેણાંક હેતુ વેચાણ માટે 4,કોમર્શિયલ હેતુ વેચાણ માટે 6, ગાર્ડન માટે 2, ખુલ્લી જગ્યા 2, નેબરહૂડ સેન્ટર માટે 2, રમતગમત મેદાન માટે 1, સ્કૂલ માટે 1, લીનર ગાર્ડન માટે 1 અને ખુલ્લા વાણિજ્ય હેતુ માટે (ઓટલા માર્કેટ) માટે 1 પ્લોટનો સમાવેશ થાય છે.

જિલ્લામાં સૌથી આગળ ઊંઝા શહેરમાં ટીપી 10 -11ની તૈયારી

જાહેરનામાં બાદ પાલિકા ખેડૂતોને ફાઇનલ પ્લોટના કબજા સોંપશે, રિઝર્વ 23 પ્લોટ ડેવલપ કરાશે

વિજાપુરનો ડીપી મંજૂર, બહુચરાજી ડેવલપમેન્ટ પ્લાનની દરખાસ્ત હજુ રાજ્ય કક્ષાએ પેન્ડિંગ
અન્ય સમાચારો પણ છે...