બહુચરાજી, મહેસાણા: બહુચરાજી તાલુકાના રાંતેજ-રામપુરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ ધોવા ઉતરેલા યુવાન લપસી પડતાં તેને બચાવવા જતાં તેના બે મિત્રો પણ ડૂબ્યા હતા. જે પૈકી એક યુવાનને આસપાસથી દોડી આવેલા લોકોએ બચાવી લીધો હતો. પરંતુ બે યુવાનો પાણીમાં ગરક થતાં મોતને ભેટ્યા હતા. બે આશાસ્પદ યુવાનોનાં માનમાં સોમવારે બહુચરાજી બજાર બંધ રહેશે તેમ વેપારી મંડળના પ્રમુખ ચંપકલાલ શાહે જણાવ્યું હતું.
બહુચરાજીના 16થી 20 વર્ષના ચાર યુવાન મિત્રો ગુમ બાઇક શોધવા રવિવારે બપોરે રાંતેજ-રામપુરા પાસે નર્મદા બ્રાન્ચ કેનાલ પરથી નીકઇ્યા હતા. ત્યારે બપોરે 2-30 વાગે એક યુવાન કેનાલમાં પગ ધોવા જતાં લપસી પડ્યો હતો, આ સમયે તેને બચાવવા જતાં બીજા બે યુવાનો પણ કેનાલમાં ખાબક્યા હતા. આ દરમિયાન કેનાલ કાંઠે ઊભેલા કિશન કમલેશભાઇ ઠાકોરે બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા અને કૃણાલ બકાભાઇ જોષીને બહાર કાઢી 108માં બહુચરાજી સિવિલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો.
જ્યારે સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ આદરી હતી. આ દરમિયાન સાંથલ અને બહુચરાજી પોલીસ, નાયબ ચીટનીશ કરશનભાઇ, તેમજ યુવાનોના પરિજનો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે કલાકની જહેમત બાદ સાંજના 5 વાગે દર્શન વિષ્ણુભાઇ પંચાલ અને જૈમિન અનુભાઇ પ્રજાપતિની લાશ મળી આવી હતી. બંનેના મૃતદેહ બહુચરાજી સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપાતાં તેમના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. બંને મૃતક વેપારીના પુત્રો હોઇ સોમવારે બજાર બંધ રાખી શ્રદ્ધાંજલી આપવા વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવાયો હતો.
આગળ વાંચો: કમનસીબ મૃતકો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.