ગુજરાતમાં ઉમિયાધામ જેવી સ્વચ્છતા ક્યાંય જોવા નથી મળી: નીતિન પટેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા: ઊંઝા સ્થિત વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 8.75 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિશ્રાંતિ ભવનનું ખાતમુહૂર્ત શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ ભવન ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળનું બનશે. જેમાં ભોજનગૃહ સહિતની સુવિધા હશે. પ્રાસંગિક ઉદબોધનમાં નીતિન પટેલે જણાવ્યું કે, ઉમિયા માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ માટે સેવા વધારવા નારાયણ કાકાની સરકારમાં સતત રજૂઆત આજે પૂર્ણ થઇ છે.

 

ઉમિયાધામ જેવી સ્વચ્છતા ક્યાંય જોવા નથી મળી

 

સરકારે અંબાજી, સોમનાથ, દ્વારકા અને ડાકોરનો કરોડોના ખર્ચે વિકાસ બાદ હવે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જેમાં ગુજરાતમાં ઉમિયાધામ જેવી સ્વચ્છતા ક્યાંય જોવા નથી મળી. તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લામાં સ્વદેશ યોજના હેઠળ સુણોક અને વિજાપુરના મંદિરોમાં વિકાસના કામો ફાળવાયાં છે. તેમણે સરકારે જાહેર કરેલા બિન અનામત આયોગનો સીધો લાભ લોકોને મળશે તેમ ઉમેર્યું હતું.

 

ઉમિયા માતાજી પરિવાર સંસ્થાનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા


ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ (કામેશ્વર)એ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પટેલ અને કરસનભાઈ સોલંકી, ઊંઝા એપીએમસી ચેરમેન ગૌરાંગ પટેલ, નગરપાલિકા પ્રમુખ મણિભાઈ પટેલ, કમિશ્નર ઓફ મ્યુનિ. એમ.એસ. પટેલ, પ્રવાસન નિગમના એમડી જેનું દેવેન, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, ઉમિયા માતાજી પરિવાર સંસ્થાનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...