ઊંઝામાં ખેડૂતની રૂ.1.85 લાખ રોકડ ભરેલી થેલી એક જ મિનિટમાં ગાયબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુ વેચવા આવેલા કચ્છના રાપર તાલુકાના ગેડી ગામના ખેડૂત સોમવારે જીરું વેચાણની ઉપજેલી રકમ રૂ. 1.85 લાખ લઇ જીપમાં પરત જવા નીકળ્યા હતા. ત્યારે યાર્ડની બહાર ખાટલો લેવા ઊભા રહ્યા હતા અને જીપ ઉપર ખાટલો ચડાવવા મદદ કરવા નીચે ઉતર્યાની એક મિનિટમાં ગઠિયો સીટ ઉપર મૂકેલી નાણાં ભરેલી થેલી લઇ પલાયન થઇ ગયો હતો. આ ગઠિયો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે. બીજીબાજુ, સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળે છે.

 

કચ્છ-ભુજના રાપર તાલુકાના ગેડી ગામના ખેડૂત રાજપૂત બાબુ મહેરુ જીરું વેચાણ માટે સોમવારે ઊંઝા માર્કેટયાર્ડમાં આવ્યા હતા. જીરું વેચાણ પેટે ઉપજેલી રકમ રૂ.1.85 લાખ લઇ સાંજના સમયે જીપમાં ઘેર જવા રવાના થયા હતા. ત્યારે માર્કેટયાર્ડની બહાર અન્ય વ્યક્તિનો ખાટલો જીપ ઉપર ચઢાવવા મદદ કરવા હાથમાંની પૈસા ભરેલી થેલી શીટ ઉપર મૂકી નીચે ઉતર્યા હતા. ખાટલો ઉપર ચડાવી એકાદ મિનિટમાં પરત આવીને શીટ ઉપર જોયું તો થેલી ગાયબ હતી. આથી તેઓ હાંફળા ફાંફળા બની ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં પૈસાની ઉઠાંતરી કરી પલાયન થતો વ્હાઇટ શર્ટવાળો ગઠિયો નજરે પડે છે.