27 દિવસ બાદ ઉ.ગુ. માં મેઘરાજાની એન્ટ્રી, કડીમાં 3 ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાઃ ત્રણેક સપ્તાહ બાદ શુક્રવારે મેઘરાજાએ સમગ્ર ઉ.ગુ.માં ગાજવીજ સાથે પુન: પધરામણી કરતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સાબરકાંઠાના હિંમતનગર અને પોશીના તેમજ અરવલ્લીના માલપુરમાં સાડા ત્રણ ઇંચ અને મહેસાણાના કડીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાંતીવાડામાં એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસ્યો છે.  ઇડરમાં અઢી ઇંચ, જ્યારે, મોડાસા, ભિલોડા અને મેઘરજમાં 2 ઇંચ, બાયડ, ધનસુરા, બહુચરાજી અને સતલાસણામાં પોણા બે ઇંચ, જોટાણામાં દોઢ, મહેસાણા, પાલનપુર, ડીસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

 

હિંમતનગર, પોશીના, માલપુરમાં સાડા 3 ઇંચ, દાંતીવાડામાં 3, ઇડરમાં અઢી ઇંચ 

 

તો ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદને કારણે પનારી નદી બે કાંઠે વહેતી થઇ હતી. વીજળી પડતાં મોડાસામાં એક ખેડૂતનું મોત થયું હતું. પાલનપુરમાં 2 અને ભિલોડામાં સાત પશુનાં મોત થયાં હતાં. સૌથી ઓછો પાટણ જિલ્લામાં માત્ર અડધાથી પોણો ઇંચ વરસાદ થયો છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે.

 

બહુચરાજી અને સતલાસણામાં પોણા બે ઇંચ, જોટાણામાં દોઢ ઇંચ અને મહેસાણામાં એક ઇંચ વરસાદ


જિલ્લામાં એક મહિના બાદ શુક્રવારે પડેલા અડધાથી 3 ઇંચ સુધીના વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. શુક્રવારે સવાર 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ કડીમાં 79 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે સૂકાભઠ્ઠ જોટાણામાં દોઢ ઇંચ નોંધાયો હતો. છેલ્લે 21 જુલાઇએ 5 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હતો. ત્યાર પછી એકપણ દિવસ કડી સિવાય 9 તાલુકામાં 10 મીમી પણ વરસાદ  થયો ન હતો. જેના 27 દિવસ બાદ શુક્રવારે 9 તાલુકામાં 10 મીમીથી વધુ  વરસાદ પડ્યો છે. ગુરુવારે રાત્રે જોટાણામાં 9, મહેસાણા, ખેરાલુમાં 2 તેમજ વિસનગર અને બહુચરાજીમાં એક-એક મીમી વરસાદ પડ્યો હતો.

 

 

કડીમાં એક કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબકતાં નીચાણમાં પાણી ભરાયાં

 

કડી પંથકમાં શુક્રવાર સવારે 8થી 12 વાગ્યા સુધીમાં 79 મીમી એટલે કે સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.  એમાં બપોરે 11થી 12 એક કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળાં વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. નીચાણનાં વિસ્તારોમાં પાણી ભરાતાં વરસતા વરસાદમાં પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત નગરસેવકો ગટરમાંથી કચરો સાફ કરાવી પાણી નિકાલની વ્યવસ્થામાં જોતરાયા હતા. થોળ રોડ સ્થિત અંડરબ્રિજમાં પાણી ભરાતાં ત્રણેક કલાક વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. જ્યારે દેત્રોજ, કરણનગર, સુજાતપુરા, નાનીકડી, છત્રાલ, નંદાસણ રોડ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી ખોરવાયો હતો. માર્ગો પરથી વરસાદી પાણી ઓસરતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...