મહેસાણા: મહેસાણાની અરાવલી એડવેન્ચરસના કૈલાસ જાની અને પરિક્ષિત આચાર્ય દ્વારા તાજેતરમાં ઉત્તરાખંડના 11725 ફૂટની ઊંચાઈ ધરાવતા હર-કી-દુનના દુર્ગમ વિસ્તારમાં ટ્રેકિંગનું આયોજન કરાયું હતું. જેમાં મહેસાણા, ગાંધીનગર અને કલોલ તાલુકાના 7થી 47ની વયના 41 ટ્રેકર્સોએ ભાગ લીધો હતો. આ ટ્રેકિંગમાં 9 વર્ષિય હેત આચાર્ય અને 14 વર્ષીય આર્નવ ચૌધરીએ 13 હજાર ફૂટની ઊંચાઈ ધરાવતા મનિદ્રા તાલું પર્વતને સર કર્યો હતો. તમામ ટ્રેકર્સએ 4 દિવસમાં 58 કિલોમીટરનો દુર્ગમ વિસ્તાર સર કર્યો હતો.
પ્રથમ દિવસે જ મારો પગ લપસી ગયો
ટ્રેકિંગના પ્રથમ દિવસે જ પથ્થર પરથી મારો પગ લપસ્યો હતો અને પગમાં સ્ક્રેપ પડી ગયો હતો. મારા માટે એ સમયે ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. પરંતુ મારાથી નાની ઉંમરનાં સાથી મિત્રોની હિંમત જોઈ મારી હિંમત વધી અને મેં ટ્રેકિંગ પૂર્ણ કર્યું. - અંશ આચાર્ય (15)
ટ્રેકિંગ શરૂ થાય તે પહેલાં જ ઇજા પહોંચી હતી
દિલ્હી પહોંચતાં જ એક પગે ઇજા થઇ હતી. પગ સૂજી ગયો હતો. તેમ છતાં ટ્રેકિંગ ચાલુ રાખ્યું તો સતત ચાલવાથી દુ:ખાવો પણ વધી ગયો હતો. હર-કી-દુનથી પાછા ફરતી વખતે બંને પગના અંગુઠાના નખ ખેંચાઇ ગયા હતા. પણ સાથી મિત્રોની હિંમત જોઈ ટ્રેકિંગ પૂર્ણ કર્યું. - કિન્નરી આચાર્ય (39)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.