તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: 75 અમરનાથ શ્રદ્ધાળુઓ જમ્મુ-પહેલગાવમાં અટવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: કાશ્મીરના અનંતનાગમાં શ્રધ્ધાળુની ટ્રાવેલ્સ પર થયેલા હુમલા વખતે મહેસાણા જિલ્લાના શ્રધ્ધાળુઓનું એક ગૃપ જમ્મુ કેમ્પમાં, જ્યારે બીજુ એક ગૃપ પહેલગાવમાં હતું. હુમલાની જાણ થતાં શ્રધ્ધાળુઓના બંને ગૃપ, તેમના પરિવારજનો અને તેની સાથે આયોજકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે, મોડી રાત્રે બંને ગૃપ હેમખેમ હોવાના સમાચાર મળતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આતંકી હુમલા બાદ રાત્રે 9 વાગે જિલ્લા કલેકટર તુરત જ હરકતમાં આવી જિલ્લામાંથી કેટલા શ્રધ્ધાળુઓ હાલમાં અમરનાથની યાત્રામાં જોડાયા તે અંગે માહિતી લેવાનું ડિઝાસ્ટર કચેરીને સૂચના આપી હતી. જેમાં મહેસાણાની 2 ટ્રાવેલ્સ પૈકી એક પરત ફરી ચૂકી હતી, જ્યારે ગુરૂકૃપા ટ્રાવેલ્સના 35 શ્રધ્ધાળુઓ હુમલા સમયે જમ્મુ કેમ્પમાં હેમખેમ હોવાનું જાણવા મળ્યુ હતું. જ્યારે વિજાપુરની એક ટ્રાવેલ્સ પરત ફરી, જ્યારે બીજી 40 શ્રધ્ધાળુઓ સાથેની લતા ટ્રાવેલ્સ પહેલગાવમાં આર્મીની સુરક્ષા હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 179 પૈકી 155 યાત્રિકો સહી સલામત છે. જ્યારે 24 સાથે સંપર્કની કવાયત હાથ ધરાઇ છે. તો સાબરકાંઠાના 26 પૈકી 18 યાત્રીઓ બાલતાલમાં ફસાયેલા છે.

હુમલો થયાનું સાંભળી થોડા સમય માટે બધા ગભરાઇ ગયાં હતાં

જે સમયે આંતકી હુમલો થયો તે વખતે અમે જમ્મુ કેમ્પમાં હતા.ગુજરાતની ટ્રાવેલ્સ પર આતંકી હુમલો થયાની માહિતી મળતાં બધા ગભરાઇ ગયા હતા. જોકે, અમે જે સ્થળે રોકાયા હતા તે સ્થળે આર્મીના જવાનોએ કોર્ડન કરી દઇ સુરક્ષા વધારી દીધી હતી. - મગનભાઇ પટેલ, શ્રધ્ધાળુ, જમ્મુથી
 
લશ્કરના જવાનોએ સુરક્ષા પૂરી પાડી છે

સોમવાર રાત્રે હુમલા વખતે અમે બધા જમ્મુમાં હતા. હુમલાની જાણ થતાં જ્યાં જુઓ ત્યાં ગભરાટ ફેલાયો હતો. ભારે અફડાતફડી વચ્ચે આ શું થયું તેની ચર્ચા ચાલી રહી હતી. લોકોની પરેશાની જોઇ લશ્કરના જવાનોએ મદદ કરી અને ડરવાની જરૂર નથી તેમ જણાવતાં લોકો શાંત પડ્યા હતા. - ભુરાભાઇ દેસાઇ, શ્રધ્ધાળુ, પહેલગાંવથી

રાત્રે યાત્રાને ચાલુ રાખવા મંજૂરી મળી

આતંકી હુમલો થયો તે સમયે અમારા ગૃપનું રોકાણ જમ્મુ કેમ્પમાં હતું. ઘટના બાદ થોડી અફડાતફડી પછી મામલો શાંત પડતાં સોમવારે રાત્રે 2-30 કલાકે આર્મી દ્વારા પહેલગાંવ જવાની પરમીશન મળતાં આર્મીના કાફલા વચ્ચે અમારી ટ્રાવેલ્સ પહેલગાંવ જવા રવાના થઇ હતી. - રમેશભાઇ પટેલ, આયોજક, ગુરૂકૃપા ટ્રાવેલ્સ મહેસાણા

બાબાનાં દર્શન કરી પહેલગાંવ છીએ

હુમલાની માહિતી અમને સુરક્ષા જવાનો પાસેથી રાત્રે 12 વાગે મળી. તેમણે ચિંતા ન કરવા કહ્યું હતું. જોકે, હુમલા બાદ વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવાઇ છે. જેને લઇ અત્યારે 40 શ્રધ્ધાળુઓ પહેલગાવમાં જ છીએ. સુચના મળે ત્યારે પરત ફરીશું. - ભરતસિંહ રાઠોડ, મેનેજર, લતા ટ્રાવેલ્સ વિજાપુર
અન્ય સમાચારો પણ છે...