મહેસાણા: 10 બળવાખોરો ભાજપ સાથે મળી કમિટીઓ બનાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણા નગરપાલિકાની 21 કમિટીઓની રચના માટે શનિવારે મળનારી સામાન્ય સભામાં રચના થાય તેના 24 કલાક પૂર્વે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગી કોર્પોરેટરોને કમિટીઓ નક્કી કરતો  વ્હીપ આપી દેવાયો છે. બીજીબાજુ બળવાખોર 10 કોર્પોરેટરોએ પણ શુક્રવારે રાત્રે બંધબારણે બેઠક કરી કોંગ્રેસના વ્હીપની ઐસીતૈસી કરી ભાજપ સાથે મળીને કમિટીઓ રચવાનો તખતો ઘડતાં હવે કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાનું  પણ પતનની ચર્ચાએ જોર પકડ્યું છે.

મહેસાણા પાલિકાની શનિવારે મળનારી સામાન્ય સભામાં 6 મહિનાથી ટલ્લે ચઢેલી 21 કમિટીઓનું કોકડું ઉકેલાવાનું છે. ત્યારે બળવા બાદ પણ કોંગ્રેસમાં હોવાનો દાવો કરનારા બળવાખોર 10 કોર્પોરેટરોનું વલણ સ્પષ્ટ થશે. શુક્રવારે બપોરે 1 વાગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલા અને શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટની અધ્યક્ષતામાં કોંગી કોર્પોરેટરોની બંધ બારણે બેઠક  મળી હતી. જેમાં હાજર 19 કોર્પોરેટરોને પ્રદેશમાંથી નિયત કરેલી કમિટીઓ સંબંધે વ્હીપ અપાયો હતો.

જ્યારે બેઠકમાં ગેરહાજર 10 બળવાખોર કોંગી કોર્પોરેટરોને આ વ્હીપ રજીસ્ટર એડીથી મોકલી આપ્યો હતો. કહેવાય છે કે, પાલિકામાં સત્તા બચાવી રાખવા કોંગ્રેસે બળવાખોર કોર્પોરેટરો પાસે શરત મૂકી છે જેમાં પ્રમુખ રઇબેન રહેશે અને કમિટીઓ 19 કોર્પોરેટરોને ફાળવવી અને તેમના પર કરેલી કાર્યવાહી પરત ખેંચી લેવી. જોકે, બળવાખોરોએ પણ ભાજપ સાથે મળી કમિટીઓ રચવાનું મન મનાવી બંધબારણે બેઠક યોજી નિર્ણય પણ લઇ લીધો છે.

10 સભ્યો કોંગ્રેસ સાથે હશે તો વ્હીપનો અનાદર નહીં કરે: શહેર કોંગ્રેસ પ્રમુખ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા અને શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટે કહ્યું કે, પાર્ટીએ કમિટીઓ સંબંધે વ્હીપ આપ્યો છે. જો 10 સભ્યો કોંગ્રેસ સાથે હશે તો પક્ષના વ્હીપનો અનાદર ન કરી સમર્થન આપશે. અને ભાજપનો ખેશ પહેર્યો હશે તો ભાજપ સાથે મળીને કમિટીઓ બનાવશે.

કમિટીઓની રચનામાં વ્હીપ ના હોય

બળવાખોર કોંગી નગરસેવકે કહ્યું કે, કમિટીઓની રચનામાં વ્હીપ ના હોય. પાર્ટીને જે કરવું હતું તે કરી નાખ્યું. હવે કાંઇ બાકી રહેતું નથી. વાતાવરણ બગડી ગયું છે. અમે ભાજપનો ટેકો લઇશું કે પછી અલગ નામથી પાલિકા ચલાવીશું.

કારોબારી ચેરમેનપદ માટે વિરમભાઇ પટેલ અને ભાજપના સિનિયર કોર્પોરેટર વચ્ચે હોડ

પાલિકાની ટીપી કમિટી અલ્લારખી અયુબખાનને રીપીટ કરાશે, જ્યારે કારોબારી ચેરમેન માટે વિરમભાઇ પટેલ અને ભાજપના સિનિયર કોર્પોરેટર વચ્ચે હોડ છે. જેમાં ભાજપનું એક જૂથ તેમની સામે જણાય છે.
અન્ય સમાચારો પણ છે...