• Gujarati News
  • પર્યુષણ પૂર્વે મટનશોપમાં પાલિકા અને ફૂડ વિભાગની ટીમની તપાસ

પર્યુષણ પૂર્વે મટનશોપમાં પાલિકા અને ફૂડ વિભાગની ટીમની તપાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારથી શરૂ થતા પર્યુષણ પૂર્વે નગરપાલિકા અને ફુડ વિભાગની ટીમોએ ગુરૂવારે સવારે શહેરની મટન શોપમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ફુડ સેફટી એકટ મુજબનું લાયસન્સ ન ધરાવતી ૨૨ જેટલી મટન શોપને ફુડ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી હતી તો નગરપાલિકા દ્વારા પર્યુષણ દરમિયાન પશુઓની કતલ બંધ રાખવા મટન શોપ માલિકોને તાકીદ કરવામાં આવી હતી.
પર્યુષણ દરમિયાન મૂંગા પશુઓની હિંસા અટકાવવા માટે શિવ ગંગા એનીમલ હેલ્પલાઇન સહિત વિવિધ જૈન સંગઠનો દ્વારા જિલ્લા કલેકટર, ચીફ ઓફિસરને રજુઆત કરાઇ હતી. જેને પગલે આ દિવસો દરમિયાન કતલખાના બંધ રાખવા માટે કલેકટર લોચન સહેરાએ બુધવારે ફુડ વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓને તાકીદ કરી હતી. જેને પગલે ગુરૂવારે જિલ્લા ફુડ કચેરીના ડીઓ બી.એમ.ત્રિવેદી સહિત ફુડ સેફટી ઓફિસરો, નગરપાલિકાના ચીફ ઓફિસર રમેશભાઇ જોશી સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે અહીંના કસ્બા વિસ્તારમાં સંયુકત રેડ કરી હતી. જેમાં ફુડ વિભાગે તપાસ કરતાં ફુડ સેફટી એકટ પ્રમાણેનું લાયસન્સ ન ધરાવતી અને સ્વસ્છતા સહિતના મુદ્દે ૨૨ જેટલી મટન શોપના માલિકોને નોટીસ ફટકારી હતી તો નગરપાલિકા દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન કતલ રોકવા માટે મટન શોપના માલિકોને તાકીદ કરાઇ હતી.
પર્યુષણમાં કતલ અટકાવાશે
શહેરમાં આવેલી મટન શોપમાં આ અંગે ગુરૂવારે તપાસ કરાઇ હતી અને પર્યુષણ પર્વ દરમિયાન પશુઓની કતલ થતી અટકાવવા તાકીદ કરવામાં આવી છે. પોલીસને સાથે રાખીને કડકપણે અમલ કરાવાશે. -રમેશભાઇ જોશી, ચીફ ઓફિસર નગરપાલિકા મહેસાણા
ફૂડ સેફટી અને સ્વસ્છતા મુદ્દે નોટિસ અપાઇ
શહેરના કસ્બા વિસ્તારની મટન શોપમાં ગુરૂવારે તપાસ કરાતાં ફુડ સેફટી એકટ મુજબનું લાયસન્સ વગરની અને સ્વરછતા સહિતના મામલે ૨૨ જેટલી દુકાનોના માલિકોને આ અંહે નોટિસ આપવામાં આવી છે. -બી.એમ.ત્રિવેદી, ડી.ઓ, ફૂડ કચેરી મહેસાણા