૬૦૦૦ વાહનચાલકો સ્માર્ટકાર્ડની રાહમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- RTO કચેરીમાં એક મહિ‌નાથી લાયસન્સ ઈસ્યુ નહીં થતાં અરજદારોને હાલાકી
- એક મહિ‌નાથી કંપનીમાંથી કોરાં સ્માર્ટકાર્ડ આવ્યાં નથી
- લાયસન્સ વગર ગાડી ચલાવવી મુશ્કેલ, અરજદારોને દંડ ભરવો પડે છે
- વાહનચાલકો આરટીઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે


મહેસાણા આરટીઓ કચેરીમાં છેલ્લા એક મહિ‌નાથી નવા પાકા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ ડ્રાઈવ આપી આવેલા અને જૂનાં લાયસન્સ રિન્યું કરાવવા કે સુધારો કરવા માટે આપી આવ્યા હોય તેવા અંદાજે ૬૦૦૦ અરજદારોને સ્માર્ટકાર્ડ ઈસ્યુ કરાયાં નથી. જેના કારણે આવા અરજદારોમાં રોષની લાગણી વ્યાપી છે. લાંબા સમય સુધી લાયસન્સ (સ્માર્ટકાર્ડ) ન મળતાં આવા વાહનચાલકો દંડાઈ રહ્યા છે તો ડ્રાઇવર તરીકે નોકરી કરતા કેટલાય સરકારી નોકરિયાતોને નોકરી કરવી મુશ્કેલ થઈ ગઈ છે. ટેક્સી ચાલકોને અન્ય રાજ્યમાં જવું હોય તો પણ તેઓ જઈ શકતા નથી.

જિલ્લાભરના પરેશાન થઈ રહેલા અરજદારો આરટીઓ કચેરીના ધક્કા ખાઈને પોતાનું લાયસન્સ ન મળ્યું હોવા બાબતે રોષ ઠાલવી રહ્યા છે. જોકે, એક મહિ‌નો થઈ ગયો હોવા છતાં આરટીઓ વિભાગ દ્વારા આ બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સહિ‌ત કોઈ નક્કર પગલાં ન લેવાયાં હોઈ હજું ક્યારે લાયસન્સ ઈસ્યું થશે તે નક્કી નથી.

- ૨૦૦થી ૨પ૦ અરજદારો આવે છે

નોંધપાત્ર છે કે, નવાં લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સ રિન્યું કરાવવા કે સુધારો કરવા દૈનિક ૨૦૦થી ૨પ૦ જેટલા અરજદારો કચેરીમાં આવતા હોય છે ત્યારે છેલ્લા એક મહિ‌નામાં ૬૦૦૦ જેટલાં લાયસન્સ મહેસાણા આરટીઓ કચેરીમાં પ્રિન્ટીંગ માટે પેન્ડીંગ પડયાં છે.

- કોરાં કાર્ડ આવશે ત્યારે મોકલી દઈશું તેવો જવાબ મળ્યો છે

મહેસાણા આરટીઓ સી.એન.રાઠોડે જણાવ્યું હતું કે, મહેસાણા કચેરીમાં ૬૦૦૦, જ્યારે પાટણમાં ૨પ૦૦ જેટલાં લાયસન્સ પેન્ડીંગ છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની કચેરીમાં આ બાબતે રજૂઆત કરી હતી. પરંતુ ત્યાંથી કેટલાં લાયસન્સ પેન્ડીંગ છે તેવા આંકડા માગ્યા હતા. જે અઠવાડિયા પૂર્વે અમે આપ્યા હતા. કોરાં કાર્ડ આવશે ત્યારે મોકલી દઈશું તે સિવાય અમને વિશેષ કોઈ જાણકારી અપાઇ નથી.

- શું તકલીફ પડે છે?

સરકારી કે અન્ય જગ્યાએ ડ્રાઇવર તરીકે નોકરી કરતા કે ટેક્સી ચલાવતા અરજદારોને લાયસન્સ વગર પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. છેવટે આરટીઓ કચેરીમાં ધક્કો ખાઈને રૂ.૨પ ભરી ઈન્ફર્મેશન કઢાવી જાય છે. જેમાં લાયસન્સની વિગતો લખાયેલી હોઈ ગુજરાતમાં લાયસન્સની જગ્યાએ તે બતાવી શકે છે. પરંતુ અન્ય રાજ્યમાં જવું હોય તો મુશ્કેલી પડે છે.