તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીની ગાડીને ટક્કર મારી ૩.૪પ લાખની મત્તા ઉઠાવી બે ગઠિયા ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિલ્પાગેરેજ નજીક ખરાબપોરે બનેલી ઘટના
- વેપારી બેન્કમાંથી નાણાં ઉપાડી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે હેલ્મેટ પહેરીને આવેલા બે બાઇકસવારો પાકીટ લઇ છૂમંતર


મહેસાણા હાઇવે પર મંગળવારે બેન્કમાંથી નાણાં ઉપાડી ઘર તરફ જઇ રહેલા વેપારીની ગાડીને ટક્કર મારી તેમની સાથે ઝઘડો કરવાનો ડોળ કરી બાઇકસવાર હેલ્મેટધારી બે શખ્સો પૈકી એકે ગાડીની સીટ પર પડેલ રૂ.૩.૪પ લાખની મત્તા ભરેલું પાકીટ ઉઠાવી ફરાર થઇ જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણા સ્થિત આર્શીવાદ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ચેલદાસ પટેલ જેસીબીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેપાર તેમજ મજૂરોને નાણાં આપવાના હોઇ મંગળવારે બપોરે તેઓ ઘરેથી પોતાની જીજે ૨-આર ૮૧૦૮ નંબરની ઇન્ડીકા ગાડી લઇ માલ ગોડાઉન રોડ પર આવેલી અર્બન બેન્કમાં નાણાં ઉપાડવા ગયા હતા. અહીંથી તેઓએ પોતાના ખાતામાંથી ઉપાડેલા રૂ.૩.૪પ લાખ સાથે લાવેલા પાકીટમાં મુકી ગાડીમાં બેઠા હતા.

ત્યાર બાદ બપોરે ૧૨-૪૦ કલાકે તેઓ હાઇવે પર શિલ્પા ગેરેજ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પાછળથી બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા બે શખ્સો પૈકીના એકે તેમની ગાડીને પાછળના બમ્ફરના ભાગે ટક્કર મારતાં વિનોદભાઇએ ગાડી ઉભી રાખતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન બાઇકની પાછળ બેઠેલા શખ્સે સીફતપૂર્વક નીચે ઉતરી તેમની નજર ચૂકવીને ગાડીમાં પડેલ રૂ.૩.૪પ લાખ ભરેલું કાળું પાકીટ તફડાવી બાઇક પર નાસી ગયા હતા.

આ બનાવની જાણ થતાં હેબતાઇ ગયેલા વિનોદભાઇએ ચીસાચીસ કરી મૂકી હતી, પરંતુ લોકોને ખબર પડે તે પહેલાં આ બાઇકસવારો છૂમંતર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલા પીઆઇ એમ.બી.વ્યાસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લાભરમાં નાકાબંધી કરાઇ હતી.જોકે, કોઇ સફળતા સાંપડી ન હતી.