• Gujarati News
  • 2.70 Lakh Stolen Bank In The Firm's Book keeper Thelamanthi

બેંકમાં ગયેલા પેઢીના મુનીમના થેલામાંથી ૨.૭૦ લાખની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઊંઝાની બેંક ઓફ બરોડા શાખામાં બનેલો બનાવ

ઊંઝા સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં નાણાં ઉપાડવા ગયેલા સ્થાનિક પેઢીના મુનીમના થેલાને ચેકો મારી અજાણ્યો શખ્સ રૂ.૨.૭૦ લાખની ચોરી કરી જવાના બનાવે પોલીસને દોડતી કરી મુકી છે. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઊંઝા ગંજબજારમાં જોઇતારામ શંકરદાસની પેઢીમાં મુનીમ તરીકે કામ કરતા હરેશભાઇ આત્મારામભાઇ પટેલ સોમવારે બપોરે એક વાગ્યે પેઢી પરથી પોતાનો રેકજીનનો થેલો ગળામાં ભરાવી બાઇક પર એચડીએફસી બેંકમાં ગયા હતા. અહીંથી રૂ.૨.૭૦ લાખની રકમ ઉપાડી થેલામાં મુકી હતી. બાદમાં બેંક ઓફ બરોડામાં નાણાં ઉપાડવા ગયા હતા. ત્યારે થેલામાં મુકેલો કોઇન લેવા જતાં ચોંકી ગયા હતા. થેલાનો નીચેનો ભાગ તિક્ષ્ણ વસ્તુથી કાપી તેમાં રહેલી રોકડ રૂ.૨.૭૦ લાખ ગઠિયો ચોરી ગયા હોવાનું માલુમ પડતાં તેઓ હેબતાઇ ગયા હતા અને આ અંગે બેંકના કર્મચારીઓ તેમજ પેઢીના માલિકને જાણ કરી હતી.ત્યાર બાદ હરેશકુમાર પટેલે ઊંઝા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ જે.એસ. પટેલીયાએ તપાસ હાથ ધરી છે.

થેલો ક્યાં કપાયો તે બાબતે મુનિમ અજાણ
બેંકમાં પ્રવેશ્યા બાદ એક જ મિનિટમાં બહાર નીકળી ગયેલા પેઢીના મુનીમ હરેશકુમાર ૧૦ મિનિટ બાદ જ્યારે બેંકમાં પુન: પ્રવેશ્યા ત્યારે થેલામાં રોકડ હતી કે કેમ તે બાબતે તેઓ વિસામણમાં મુકાયા છે. સાથે ૧૦ મિનિટ માટે તેઓ બેંકમાથી બહાર નીકળીને ક્યાં ગયા તે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

સીસીટીવી કેમેરામાં કેદ દ્રશ્યોના આધારે પોલીસ તપાસ
બેંકમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ દ્રશ્યો જોતાં મુનીમ બેંકની અંદર બપોરે ૨.૨૦ કલાકે પ્રવેશ્યા હતા. અહીં એક મિનિટ રોકાયા બાદ પુન: બેંકની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ તેઓ ૨.૨૯ કલાકે પુન: બેંકમાં આવ્યા હતા અને કાઉન્ટર નજીક પડેલી ખુરશીમાં ગોઠવાયા બાદ નાણાં ઉપાડવા ઉભા થયા હતા.