• Gujarati News
  • 1 Thousand In The Form Of Ration Distributions Office Pending

મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ વિભાજનના ૧ હજાર ફોર્મ પેન્ડીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ વિભાજનના ૧ હજાર ફોર્મ પેન્ડીંગ
- છ વર્ષ બાદ તાજેતરમાં શરૂ થયેલી વિભાજન કામગીરી ફરીથી ઘોંચમાં પડી


મહેસાણા : મહેસાણા મામલતદાર કચેરીએ છ વર્ષ બાદ રેશનકાર્ડ વિભાજન ફોર્મનું વિતરણ શરૂ થયું છે. પરંતુ ફોર્મ સ્વીકાર્યા સિવાય જાણે કે આગળની કામગીરી હજુ પણ ઠપ્પ જેવી જ છે. રેશનકાર્ડ વિભાજન ફોર્મની એટીવીટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા શરૂ ન કરતાં એક હજારથી પણ વધુ અરજીઓ હાલમાં ધુળ ખાઇ રહી છે. તો બીજી તરફ એટીવીટી સુત્રો પુરવઠા શાખાએ ફોર્મ ઓનલાઇન ન કરવાની સુચના આપી હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.
બે કચેરીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપમાં છેવટે અરજદારોનો મરો થઇ રહ્યો છે.મહેસાણા મામલતદાર કચેરીમાં છેલ્લા છ વર્ષથી રેશનકાર્ડ વિભાજનની વિલંબીત કામગીરી તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. જેને પગલે રેશનકાર્ડ વિભાજનના ફોર્મ માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં રેશનકાર્ડ વિભાજનના ફોર્મ સ્વીકારવાના મુદ્દે ઉઠેલા વિવાદ વચ્ચે મામલતદારની દરમિયાનગીરીને પગલે એટીવીટી કચેરી દ્વારા ફોર્મ સ્વિકારવા શરૂ કરાયા હતા.
જોકે, સ્વિકારાયેલ ફોર્મનું અત્રેની કચેરીએથી ઓનલાઇન નહી થતા અરજદારોની હાલત દયનીય બની જવા પામી છે. અત્રેની પુરવઠા કચેરીમાંથી રોજના રેશનકાર્ડ વિભાજનના રોજના ૩પ૦થી વધુ ફોર્મનું વિતરણ થઇ રહ્યું છે ત્યારે સામે પક્ષે છેલ્લા પંદર દિવસમાં એક પણ ફોર્મનું ઓનલાઇન ન થતાં હાલમાં ૧ હજારથી વધુ અરજીઓ ધુળ ખાઇ રહી છે. નોધનીયછેકે, બુધવારે રેશનકાર્ડ વિભાજનના ફોર્મ જમા થયાના એક સપ્તાહ બાદ પણ તે અંગે કોઇ કાર્યવાહી ન થતા કેટલાક અરજદારોએ મામલતદાર કચેરી માથે લીધી હતી.


રેશનકાર્ડ વિભાજન ક્યારે થશે ?
પાલોદર, ગોઝારીયા તેમજ મહેસાણાના અરજદારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષો બાદ રેશનકાર્ડ વિભાજન માટે ફોર્મ વિતરણ થતા હવે નવુ રેશનકાર્ડ મળશે તેવી આશા જાગી હતી પરંતુ એટીવીટીમા ફોર્મ જમા થયા બાદ તેનું ઓનલાઇન ન થતાં રેશનકાર્ડનું વિભાજન ક્યારે થશે અને નવું કાર્ડ ક્યારે મળશે? મોટો સવાલ ઉભો થયો છે.

ફોર્મ ઓનલાઇન થઇ આવતા નથી : નાયબ મામલતદાર
મહેસાણા પુરવઠા નાયબ મામલતદાર કિરીટભાઇ જાનીએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ વિભાજનના ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે પરંતુ ભરેલા ફોર્મ એટીવીટીમાંથી ઓનલાઇન થઇને આવતા ન હોઇ કામગીરી અટવાઇ છે. જેને પગલે અરજદારો અહી હંગામો મચાવે છે.

શુ કહે છે એટીવીટી સ્ટાફ
મહેસાણા એટીવીટી કચેરી સ્ટાફ સુત્રોએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ વિભાજનના ફોર્મ અમારી પાસે આવ્યા છે અને તેનું ઓનલાઇન કામ શરૂ કરાયું છે પરંતુ પુરવઠા વિભાગે હાલમાં નવા રેશનકાર્ડની કામગીરી વધુ હોઇ વિભાજનના ફોર્મ નહી મોકલવા સુંચના આપી છે.