તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખલપુર બહુચરમાના મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીથી બે કિમીના અંતરે આવેલા બહુચર માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર ગામે 17, 18 અને 19 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાશે. જેમાં અંદાજે પાંચ લાખથી પણ વધુ માઈભક્તો ઉમટી પડવાની સંભાવના હોઇ તેને લગતી તૈયારીઓ હાથ ધરાઈ છે.

શ્રી ટોડા બહુચરાજી માતાજી શંખલપુર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઈ પટેલ અને ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, મેળામાં ભક્તોને શાંતિપૂર્ણ દર્શન થઈ શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લુ રખાશે. પુરુષ અને મહિલાઓની અલગ લાઇનો કરાશે. ગુરુવારે રાત્રે 9 કલાકે મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં ગુજરાતના કલાકારો ગગન જેઠવા, પૂજા ચૌહાણ સહિતના કલાકારો રંગત જમાવશે.શંખલપુર મંદિરને રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. તસવીર-ભાસ્કર

મંદિરમાં સીસીટીવી કેમેરાની બાજનજર
પૂનમમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોઇ અસમાજિક તત્વો ફાવે નહીં તે માટે મંદિર ગર્ભગૃહ તેમજ પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવાયાં છે. તો પોલીસ ઉપરાંત ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા કરાઇ છે.

સંઘો માટે ઉતારાની અલગ વ્યવસ્થા
પૂનમ નિમિત્તે રાજ્યભરમાંથી આવતા પગપાળા સંઘો માટે શંખલપુર ટ્રસ્ટ દ્વારા ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. મંદિર પરિસર તેમજ નજીકની શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે પાંચ હજાર શ્રદ્ધાળુઓ આરામ કરી શકે તે માટે ઉતારાની વ્યવસ્થા કરાશે.

માઈભક્તો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા
શંખલપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમ નિમિત્તે ચૌદસને ગુરુવાર બપોરથી લઈને ચૈત્રી પૂનમે રાત્રે દસ વાગે માતાજીની પાલખી આવે ત્યાં સુધી ભોજનાલય સતત ખુલ્લું રખાશે. ભક્તોને વિનામૂલ્યે ભોજન અપાશે.

અન્ય સમાચારો પણ છે...