Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા પાલિકામાં વ્હીપનો અનાદર કરનાર કોંગ્રેસના ૩ સભ્યોને નોટિસ
માણસા નગરપાલિકામાં કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા 3 સભ્યો પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેવાની સાથે પક્ષમાંથી વિધિવત્ રાજીનામું આપ્યા વગર જ ભાજપમાં જોડાઈ ગયા હતાં. આખરે આ વાતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી દ્વારા ઉપરોક્ત ત્રણે સભ્યોને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તથા પાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા કાર્યવાહી કેમ ન કરવી તેમ જણાવતી નોટિસ ફટકારવામાં આવી છે. કારણદર્શક નોટિસમાં સાત દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરાશે, તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાઇ ત્યારે હાલના સત્તાધારી ભાજપ પક્ષે કુલ 28 પૈકીની 15 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષનો 13 બેઠકો પર વિજય થયો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પર ચૂંટાયેલા વોર્ડ નંબર 7ના નિરમાબેન આશિષ કુમાર પ્રજાપતિ, વોર્ડ નંબર 2ના કીર્તિકુમાર જીવણલાલ પરમાર અને વોર્ડ નંબર 5ના સુનીતાબેન કમલેશભાઈ દેવીપુજક, આ ત્રણે કોંગ્રેસી સભ્યો ગત 18-10-2019ના રોજ યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભામાં તેમજ અન્ય બેઠકોમાં ગેરહાજર રહ્યાં હતાં. ત્રણે સભ્યો દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલા આદેશનો અનાદર કરવામાં
આવ્યો હતો.