રાજુ ઠાકોરના ફોર્મ ભરવાની સાથે મધુસૂદન મિસ્ત્રીના વળતાં પાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી મામલે અેહમદ પટેલ જૂથનો હાથ ઉંચો રહ્યા બાદ મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શીવસિંહ ઠાકોરને ટિકીટ મળતા મધૂસૂદન મીસ્ત્રીના સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રાજકારણનો અંત અાવી ગયાની ચર્ચાઅે જોર પકડ્યુ છે. ટીકીટ ફાળવણીના મામલે અેહમદ પટેલ જૂથ બે ડગલા અાગળ રહ્યુ હતું.

સાબરકાંઠા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર માટે પડદા પાછળ છેલ્લી ઘડી સુધી શહ-માત ની રમત ચાલુ રહી હતી. મધૂસૂદન મીસ્ત્રી જૂથ અને અેહમદ પટેલ જૂથ રીતસરનું સામ સામે અાવી ગયુ હતુ. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો મધૂસૂદન મીસ્ત્રીના સ્થાનિક રાજકારણમાં થઇ રહેલ ચંચૂપાલના ખૂલ્લા વિરોધમાં હતા. ઉમેદવારની પસંદગીનો મામલો વર્ચસ્વની લડાઇ બની ગયો હતો. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અેહમદ પટેલે છેલ્લી ઘડીઅે મોડાસા ધારાસભ્ય રાજુ ઠાકોરના ના પર મ્હોર મરાવવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસી વર્તુળો ધ્વારા જાણવા મળી રહ્યા મુજબ વર્ષ 2017 માં પણ કેટલીક બેઠકો ઉપર અાવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ તે સમયે બધા સમસમીને બેસી રહ્યા હતા પરંતુ અા વખતે ચાલુ ધારાસભ્યો સ્થાનિક સંગઠન અેક જૂથ થઇને વિરોધમાં પડતા સ્થિતિ બદલાઇ હતી અને અેહમદ પટેલને પણ તેમના અેક વખતના હરીફ મધૂસૂદન મીસ્ત્રીને હોંશીયામાં ધકેલવા મોકો મળી ગયો હતો. રાજુ ઠાકોરે ગુરૂવારે ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં મધૂસૂદન મીસ્ત્રીના વર્ચસ્વનો અંત અાવી ગયો હોવાની ચર્ચાઅોઅે જોર પકડ્યુ છે.

દીપસિંહ રાઠોડ અને રાજુ ઠાકોર વચ્ચે રસાકસી રહેશે
સાબરકાંઠા બેઠક પર ઠાકોર અને અાદીવાસી જ્ઞાતિ સમૂહના 8 લાખથી વધુ વોટ થાય છે. દીપસિંહ રાઠોડ ગત ચૂંટણીમાં 85 હજાર વોટની સરસાઇથી જીતી ચૂક્યા છે. બીજી બાજુ રાજુ ઠાકોર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સામાજીક સંબંધો ધરાવે છે. ઠાકોર સમાજના 220 ગામના ગાદીપતિના ગુરુભાઇ છે. ખેડબ્રહ્મા અને ભિલોડા બબ્બે અાદીવાસી ધારાસભ્યોનું તેમને સંપૂર્ણ સમર્થન છે પાટીદાર સમુદાય કેવુ સ્ટેન્ડ લે છે તેની પર મદાર છે પરંતુ હવે રાજુ ઠાકોરની પસંદગી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અા બેઠક પર રસાકસી જોવા મળશે તે નિશ્ચિત છે.

રાજુ ઠાકોરનો મજબૂત પક્ષ
રાજેન્દ્રસિંહ શીવસિંહ ઠાકોર સમાજનુ પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય ચૂંટણી લડી જીત્યા છે. ઠાકોર સમાજના 220 ગામના ગાદીપતિના ગુરુભાઇ થાય છે તેમના પત્ની પણ રાજકારણમાં સક્રિય છે. કોંગ્રેસ પાસે તેમના જેવો ઠાકોર સમાજનો અન્ય મજબૂત દાવેદાર ઉપલબ્ધ ન હતો. સાૈથી મહત્વનું અેહમદ પટેલના અાશીર્વાદ મેળવી ચૂક્યા છે.

રાજુભાઇ ઠાકોર અને જીવન સાથીની જાહેર કરેલ સંપત્તિ
કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ ઠાકોરની 7 વર્ષના ધારાસભ્ય કાળ દરમિયાન તેમની અને તેમના જીવનસાથીની સ્થાવર જંગમ મિલકતમાં રૂા.63.57 લાખનો વધારો થયો છે. નોંધનીય છે કે વર્ષ 2017 માં તેમણે સ્થાવર મિલકતોની જે કિંમત જાહેર કરી હતી તેટલી જ બજાર કિંમત વર્ષ 2019 માં જાહેર કરી છે. તેમની પાસે સંયુક્ત રીતે 10 તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદી છે તથા વાહનોમાં અેક ઇનોવા, અેક હ્યુન્ડાઇ કાર, રોયલ અેન્ફ્રીલ્ડ, પ્લેઝર, હીરોહોન્ડા અને ટ્રેક્ટર ધરાવતા હોવાનુ સોગંદનામામાં જાહેર કર્યું છે.

મોડાસાના ધારાસભ્ય રાજુ ઠાકોરે શામળાજી દર્શન કરી સ્વામિનારાયણ ભગવાનને જલાભિષેક કર્યો
મોડાસા ધારાસભ્ય રાજુ ઠાકોરે ગુરુવારે ફોર્મ ભરતા પહેલા શામળાજી મંદિરે દર્શન કરી હિંમતનગર સ્વામિનારાયણ મંદિરમાં અાવ્યા હતા અને ધારાસભ્ય અશ્વિન કોટવાલ, ડો. અનિલ જોશીયારા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા યુવા જિલ્લા પ્રમુખ પ્રિયવદન પટેલ વગેરે સાથે સ્વામિનારાયણ ભગવાનને જલાભિષેક કરી સંતોના અાશીર્વાદ મેળવી ફોર્મ ભરવા ગયા હતા. તસવીર-અશોક રાવલ

અન્ય સમાચારો પણ છે...