ખદલપુરની પ્રેમલગ્ન કરનાર પુત્રીની હત્યા કરનારા પિતાને અાજીવન કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના સનનગર સોસાયટીમાં બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર દીકરીને ઘરમાં જ ગળુ દબાવી કટર વડે ગળું કાપી નાખી નિર્મમ હત્યા કરનાર પિતાને પાટણ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ચાર આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.

વિસનગરના ખદલપુરના વતની અને સિદ્ધપુરના સનનગરમાં રહેતા દશરથભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જેઅો ભાંડુમાં કોલેજમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે. તેમની દીકરી અંકિતા સિદ્ધપુર સિવિલમાં નર્સ હતી. જેણે ઊંઝાના પ્રતીક કાંતિલાલ પટેલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેની સાથે ગયા પછી ઘરે પાછી આવતા 9 ઓગસ્ટ 2016ના રોજ સવારે સવા દસ કલાકના સુમારે દશરથભાઈઅે તું કહ્યા વગર કેમ જતી રહી હતી અને કેમ લફરા કરે છે તેમ કહેતા અંકિતાએ તેને પ્રેમ હોઇ તેની સાથે જ જતી રહીશ એવું કહેતા દશરથભાઈ ઉશ્કેરાઇ દીકરીનું ગળું દબાવ્યા પછી કટર વડે ગળાની નસ કાપી નાખી હતી. જેમાં અંકિતાની ચીસ સાંભળીને તેની માતા કૈલાસબેન ઘરમાં દોડી આવતા દીકરી મરેલી પડી હતી અને પતિને પૂછતાં મારા સામે બોલતી હોવાથી મારી નાખ્યાનું જણાવી બહાર નીકળી ગયા હતા. ગભરાયેલા કૈલાશબેન વિસનગર જઈ દીકરાને વાત કરતા દીકરાના કહેવાથી સિદ્ધપુર આવી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ અંકિતા સાથે લગ્ન નોંધાવનાર પ્રતીક કાંતિલાલ પટેલે સાંજે ઊંઝા પોલીસમાં લેખિત અરજી આપી હતી. જેમાં દશરથભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, અમૃતભાઈ બબલદાસ પટેલ, કૈલાસબેન પટેલ, વિશાલ જોઇતાભાઇ પટેલ અને બાબુભાઈ જોઇતારામ પટેલ વગેરેએ સમાધાન માટે અને ચાંદલા વિધિ કરવાના બહાને બોલાવી અંકિતાની હત્યા કર્યાનું જણાવતા અરજીની તપાસ આધારે આ તમામ આરોપી સામે ચાર્જશીટ થઈ હતી.

આ કેસ મંગળવારે એડિશનલ સેશન્સ જજ એમ.એચ ચૌધરી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કર અને આરોપીના વકીલોની રજૂઆતો સાંભળ્યા બાદ મૃતક અંકિતાના પિતા દશરથભાઈ પટેલને ઈપીકો કલમ 302 હત્યાના ગુનામાં દોષિત ઠરાવી આજીવન કેદ અને રૂ. 10000 દંડ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે આરોપીઓ અમૃતભાઇ પટેલ, કૈલાસબેન પટેલ, વિશાલ પટેલ અને બાબુભાઇ પટેલને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...