Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્કૂલ ગેમ્સની ટેનિસમાં મહેસાણાની વૈદેહી વિશ્વ ચેમ્પિયન
મહેસાણાજિલ્લાના ખંડોસણની વતની વૈદેહી ચૌધરીએ તુર્કીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ગેમ્સ-2016માં બહેનોના લોન ટેનિસ વ્યક્તિગત વિભાગમાં વિશ્વ ચેમ્પિયન બની ગોલ્ડમેડલ મેળવી મહેસાણાને ગૌરવ અપાવ્યું છે. ઉપરાંત વૈદેહી તથા તેની પિતરાઈ બહેન ઋત્વીએ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે.
વિસનગર તાલુકાના ખંડોસણના વતની અને ડીસાના ઝેરડા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ માનસિંહભાઈ ચૌધરીની પુત્રી વૈદેહી તથા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા તેમના મોટાભાઈ રમેશભાઈની પુત્રી ઋત્વી ગાંધીનગરની આર.જી.કન્યા વિદ્યાલયમાં ધો.11માં અભ્યાસ કરે છે. સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને નેશનલ ચેમ્પિયન બનાવનાર બહેનોની 12થી 18 જુલાઈ દરમિયાન તુર્કીના ટ્રેબઝોન શહેરમાં યોજાયેલી ઈન્ટરનેશન સ્કૂલ ગેમ્સમાં ઈન્ડિયાની ટીમમાં પસંદગી થઈ હતી.
ગેમ્સમાં લોન ટેનિસની બહેનોની વ્યક્તિગત ઈવેન્ટમાં શનિવારે ફાઈનલ મેચમાં વૈદેહીએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યજમાન દેશ તુર્કીની ઓઝ આઈપેકને 6-3, 6-2થી હરાવી શાનદાર વિજય સાથે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. જ્યારે વૈદેહી તથા ઋત્વીની ટીમે લોન ટેનિસની બહેનોની ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંને બહેનો અમદાવાદની ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ એકેડેમી (એઆઈએસએ)માં ટેનિસની તાલીમ મેળવે છે.વૈદેહીના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે, તુર્કીમાં ટ્રેઝબોનથી 400 કિમી દૂર તોફાનો થયા હતા,રાજકીય અજંપાભરી સ્થિતિના કારણે શનિવારે ફાઈનલ મેચ અટકાવી દેવાઈ હતી. પરંતુ પાંચેક કલાક બાદ છેવટે મેચ શરૂ થઈ હતી. હાલમાં તેઓ અન્ય ખેલાડીઓ સાથે સલામત છે અને રવિવારે તેઓ ભારત આવવા રવાના થવાના છે.
વિસનગરના ખંડોસણની ઋત્વી (ડાબે) અને વૈદેહી ( જમણે) વિજયી બન્યા બાદ ખુશખુશાલ મુદ્રામાં.